શૈક્ષણિક સંસ્થા અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રેઝર્વેશન સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા 38 હજાર સહિત મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
Aarti Machhi, Bharuch: અંકલેશ્વરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શિયાળાના સમયે તસ્કરો ઘરો તેમજ ઓફિસને નિશાન બનાવે છે. ત્યારે હવે તસ્કરોએ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંકુલમાં આવેલ શૈક્ષણિક સંસ્થાને નિશાન બનાવી છે. સંસ્થાનો પાછળનો દરવાજો કટરથી કાપી ઓફિસમાં પ્રવેશ કર્યો
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંકુલમાં આવેલ શૈક્ષણિક સંસ્થા અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રેઝર્વેશન સોસાયટીને વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ પાછળનો દરવાજો કટરથી કાપી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા રોકડા રૂપિયા 38 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે મેળવી તપાસ હાથ ધરી
ચોરી અંગે સંસ્થાના સંચાલકને માલુમ પડતા તેઓ દોડી આવ્યા હતા અને ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરી હતી.અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર ઓફિસમાં લગાવેલ સીસીટીવી કેમેરા આબાદ કેદ થયો છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે મેળવી તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં તસ્કર અંદર આવી રોકડા રૂપિયાની ચોરી કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યો છે.