Home /News /bharuch /Bharuch : અહીં 164 વર્ષ જૂની લાયબ્રેરીમાં 1.25 લાખ પુસ્તકનો વૈભવ, આટલી ભાષાનાં પુસ્તક

Bharuch : અહીં 164 વર્ષ જૂની લાયબ્રેરીમાં 1.25 લાખ પુસ્તકનો વૈભવ, આટલી ભાષાનાં પુસ્તક

X
ભરૂચની

ભરૂચની રાયચંદ દીપચંદ લાયબ્રેરી હાલ 164 વર્ષે કાર્યરત

ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં રાયચંદ દીપચંદ લાયબ્રેરી આવેલી છે. અંગેજી, હિન્દી, ગુજરાતી, પારસી અને ઉર્દુ પુસ્તકો મળી કુલ 1.25 લાખથી વધુ પુસ્તકોની હયાતી છે.

Aarti Machhi, Bharuch : ગુજરાત રાજયનુ બીજા નંબરનું સૌથી જૂનું પુસ્તકાલય રાયચંદ દીપચંદ લાયબ્રેરી ચકલા વિસ્તારમાં આવેલી છે. જેની સ્થાપના આજથી લગભગ 164 વર્ષ પહેલા એટલે કે ઇસ 1858માં કરવામાં આવી હતી. તેની સ્થાપના વખતે આ લાયબ્રેરી નું નામ 'બ્રોચ (ભરૂચ) લાયબ્રેરી' હતું.

400 પુસ્તકો લાયબ્રેરીને ભેટ મળ્યા

ભરૂચના તે સમયના પ્રખ્યાત ડો. કામાકાકાના ચુનારવાડમાં પહેલા જે દવાખાનુ હતુ. દવાખાનાના છેડા ઉપર આ લાયબ્રેરી શરૂ કરવામાં આવી હતી. આ લાયબ્રેરી ચાલુ કરવા માટે ભરૂચના તે સમયનાં સોરાબશા દાદાભાઈ મુન્સફ નામના એક પારસી સદગૃહસ્થે 400 પુસ્તકો લાયબ્રેરીને ભેટ આપ્યા હતાં અને ભરૂચના દેસાઈજી હકુમતરાયજીએ રકમ આપી લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી હતી.

રાયચંદ દીપચંદ લાયબ્રેરી કેમ નામ પડ્યું ?

ઇસ 1864માં ગુજરાતના જાણીતા શિક્ષણ પ્રેમી અને ઉદ્યોગપતિ મુંબઈના સદગૃહસ્થ પ્રેમચંદ રાયચંદે તેમના સ્વર્ગસ્થ પિતાની સ્મૃતિ અર્થે રૂપિયા 4 હજારની રોકડ રકમનું દાન કર્યું હતું. તેથી લાયબ્રેરીનું નામ તેમના પિતાના નામ પરથી “રાયચંદ દીપચંદ લાયબ્રેરી” રાખવામાં આવ્યુ હતું. વર્ષો બાદ આજે પણ આ જ નામથી લાયબ્રેરી ચાલે છે.

અવારનવાર પુસ્તકો ભેટસ્વરૂપે મળતા જ રહે છે

રાજારામ મોહનરાય લાયબ્રેરી અને ફાઉન્ડેશન ટ્રસ્ટ, કોલકતા તરફથી લાયબ્રેરીને ગુજરાતી, અંગ્રેજી પુસ્તકો ભેટ મળ્યા છે. શહેરીજનો તરફથી પણ અવારનવાર પુસ્તકો ભેટસ્વરૂપે મળતા જ રહે છે. આ લાયબ્રેરીમાં ઘણા અલભ્ય પુસ્તકો છે.



બાળકો માટે અલાયદી વ્યવસ્થા

આ લાયબ્રેરીમાં બાળકો માટે અલગ ભાગ રીઝર્વ રાખ્યો છે. બાળકોની કક્ષાને અનુરૂપ એવા ફર્નીચર સાથેનો આ વિભાગ બાળ સામાયિકો અને પુસ્તકોથી સજજ છે. મહિલા વાચકો માટે પણ અલાયદી વ્યવસ્થા રાખી છે. વૃધ્ધ અને અશકત વાંચકો આરામથી વાંચી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. લાયબ્રેરીનો નિભાવ ગુજરાત સરકાર, ભરૂચ નગરપાલિકાની ગ્રાન્ટ, લોકોની સખાવત અને સભ્યો દ્વારા કરવામાં આવે છે.

લાયબ્રેરીમાં દર સોમવારે રજા

લાયબ્રેરી સવારે 9:00 થી 12 અને બપોરે 3:30 કલાકથી છ કલાક સુધી ખુલ્લી રહે છે. લાયબ્રેરીમાં દર સોમવારે રજા હોય છે. લાયબ્રેરીની મેમ્બરશીપ 380 રૂપિયા છે. તેની 120 રૂપિયા ફી છે. બાળકો માટે 100 રૂપિયા મેમ્બરશીપ ડિપોઝિટ અને 30 ફી છે.

ગ્રંથપાલ તરીકે કમલા ડી. ચોકસી સેવા આપી રહ્યા છે

હાલ લાયબ્રેરીનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. ગૌતમ ચોકસી દ્વારા 10 લાખ રૂપિયાના ખર્ચે કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં લાયબ્રેરિયન કમલા ડી. ચોકસી ફરજ બજાવે છે.



લાયબ્રેરીમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતી સહિત ધાર્મિક પુસ્તકો ઉપલબ્ધ

ખરીદેલા અને ભેટ આવતા પુસ્તકોની નોંધણી સને 1947થી શરૂ કરવામાં આવી છે. પહેલાના પુસ્તકોની નોંધણી થયેલી નથી. અંદાજે કુલ બે લાખ જેટલા પુસ્તકો લાયબ્રેરીમાં હશે. લાયબ્રેરીમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતી, પારસી, ઉર્દૂ પુસ્તકો છે. ધાર્મિક પુસ્તકોમાં રામાયણ, શિવપુરાણ, સહિતના બધા જ ધર્મના પુસ્તકો છે. 150 થી 200 વર્ષ જૂના પુસ્તકો આવેલા છે.

લાયબ્રેરીમાં વિવિધ પુસ્તકો મળી 1.25 લાખથી વધુ પુસ્તકોનો ભંડાર

ગુજરાતી : 76147
અંગ્રેજી : 40226
હિંદી : 8826
અન્ય ભાષા : 326
કુલ : 1,25,525

આ પુસ્તકાલયના ઉપક્રમે દાદાભાઈ નવરોજજી વાંચનાલય અને બાળપુસ્તકાલય ઈશ્વરીબેન આસ્લોટ સાર્વજનિક મહિલા પુઅતકાલય પણ ચાલે છે. ઉત્તમ ગ્રંથાલય તરીકે સેવા આપવા માટે રાયચંદ દીપચંદ લાયબ્રેરીને ગુજરાત રાજયનું વર્ષ 1976માં રાજય પારિતોષિક અને મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ પ્રાપ્ત થયો છે. ખરેખર રાયચંદ દીપચંદ લાયબ્રેરી એ ભરૂચ જિલ્લાનુ ગૌરવ છે.
First published:

Tags: Bharuch, Books, Heritage, Local 18

विज्ञापन