ઝઘડિયાની કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવેલ પૌરાણિક ગુમાનદેવ હનુમાન મંદિર
ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગુમાનદેવ હનુમાન દાદાનું પૌરાણિક મંદિર આવેલું છે. 500 વર્ષ પહેલા સ્વામી ગુલાબદાસજી મહારાજે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. નામ પાછળ પણ તર્ક રહેલો છે. અહીં આસ્થા સાથે લોકો દૂર દૂરથી આવે છે.
Aarti Machhi, Bharuch: ભકતોને સંકટમાંથી દૂર કરતા હનુમાન દાદા નાના બાળકોને અતિપ્રિય દેવ છે. હજી પણ નાના બાળકોને રાત્રે ભય લાગે તે સમયે સૌ પ્રથમ હનુમાનદાદાનું જ નામ લેવામાં આવે છે. ભૂત પિશાચ નિકટ નહિં આવે, મહાવીર જબ નામ સુનાવે બોલાવાનું શરૂ કરી દઈએ છે. રાજ્યમાં હનુમાનદાદાના મંદિર અનેક સ્થળોએ આવેલા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર ગુજરાતમાં ઘણું વિખ્યાત છે.
ગુમાનદેવ મંદિર સાથે પૌરાણિક દંતકથા સંકળાયેલી
ઝઘડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર સાથે પૌરાણિક દંતકથા સંકળાયેલી છે. ગુમાનદેવ મંદિર કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવ્યું છે. આશરે 500 વર્ષ પહેલા અયોધ્યાના હનુમાનગાધિની સાગરિયા પટીના સંત તેમજ રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા સ્વામી ગુલાબદાસજી મહારાજ ઝગડીયા નજીક આવેલા મોટા સાંજ ગામ પાસે આવ્યા હતા. સ્વામી ગુલાબદાસજી મહારાજ જયારે સૂતા હતા. દરમિયાન અચાનક તેમને એવો આભાસ થયો કે હનુમાન દાદા તેમને કંઈક કહેવા અર્થે આવ્યા છે અને તેઓનાથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ પણ રહેલી છે.
ગુલાબદાસજી મહારાજએ જ્યારે ઉઠીને તે સ્થળે જોયું ત્યારે એક શિયાળ મૂર્તિને વળગી રહ્યું છે અને અનેક ગોવાળિયાઓ શિયાળને મારવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ગુલાબદાસજીએ પળનો વિલંબ કર્યા વગર ગોવાળિયાઓને શિયાળને મારતા રોક્યા હતા. આજુબાજુના ગામોમાં આ ઘટના વાયુવેગે પ્રસરી ગઈ હતી અને લોકોની ભીડ આ સ્થળે ઉમટી પડી હતી. લોકોએ સ્થળ પર રહેલા પથ્થરમાં હનુમાન દાદાના દર્શન થયા હતા અને તેઓએ હનુમાન જ્યંતિના દિવસે અહીં સ્થાપના કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મંદિરનું નામ કેમ ગુમાન દેવ આપવામાં આવ્યું ?
ગુમાનનો મતલબ ઘમંડ એટલે માણસનું ઘમંડ દૂર કરનારા દેવ. આ પગલે મંદિરને ગુમાનદેવ નામ આપવામાં આવ્યું છે. મંદિરમાં રહેલી મૂર્તિ આજે પણ એ જ રૂપમાં હાજર છે. સ્વામી ગુલાબદાસજી મહારાજે સ્થાપિત કરેલ મૂર્તિ આજે પણ ત્યાં જ છે અને સાચી આસ્થા રાખનારને આજે પણ મંદિરે હનુમાન દાદાના દર્શન થાય છે.
શ્રાવણ માસમાં ભકતોની ભારે ભીડ ઉમટે છે
ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ભકતો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. ભરૂચ શહેરના કેટલાક શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ મહિનામાં મંદિરે ચાલતા જાય છે અને શનિવાર ભરે છે. હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર