શુકલતીર્થમાં શુકલેશ્વર,સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર
મગધ સામ્રાજ્યના મહાઅમાત્ય ચાણક્ય આધી,વ્યાધિ અને ઉપાધિથી પીડાતાથી મુક્તિ મેળવવા ભરૂચના શુકલતીર્થ આવી પહોંચ્યા હોવાનું મનાઈ છે.અહીં શુકલેશ્વર,સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર અસ્થાનું કેન્દ્ર છે.
Aarti Machhi, Bharuch : ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી 20 કિલો મીટરના અંતર નર્મદા નદીના કિનારે પવિત્ર અને પૌરાણિક યાત્રાધામ શુકલતીર્થ આવેલું છે. શુકલતીર્થ ખાતે ગામના મધ્યમાં ભગવાન શુકલેશ્વર, સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
અનેક ગ્રંથોમાં શુકલતીર્થનો ઉલ્લેખ
શિવપુરાણ, રેવાપુરાણ, માર્કંડેય પુરાણ અને સ્કંદપુરાણ સહિતના ધાર્મિક ગ્રંથોમાં શુકલતીર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવાય છે કે, મહાભારત કાળથી શુકલતીર્થમાં દર કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભાતીગળ મેળો યોજાય છે. આ મેળામાં દેવોની પણ હાજરી હોવાની માન્યતા છે.
ચાણકયનો મોક્ષ પ્રાપ્ત થયાનો પુરાણોમાં ઉલ્લેખ
પુરાણોમાં ઉલ્લેખ છે કે, મગધ સામ્રાજ્યના મહા અમાત્ય ચાણક્ય આધી, વ્યાધિ અને ઉપાધિથી ચિંતાઓમાં ઘેરાયા હતાં. ત્યારે તેઓના ગુરુએ નર્મદા નદી કિનારે તેઓને મોક્ષ મળશે અને અમરકંટકથી કાળા વસ્ત્રો, કાળી ધ્વજા, કાળી નાવમાં પ્રસ્થાન કરી જે સ્થળે આ ત્રણેય વસ્તુઓ સફેદ એટલે કે શ્વેત થશે, ત્યાં આવેલ શિવ મંદિરે ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થશે. જેથી ચાણક્ય અમરકંટકથી નીકળતા શુકલતીર્થ ખાતે આવી ત્રણેય વસ્તુઓ સફેદ થતા તેઓ ત્યાં શિવલિંગની પૂજા અર્ચના કરતા તેઓ પાપ મુક્ત રોગ મુક્ત થયા હતા.
મહા શિવરાત્રીનાં માનવ મહેરામણ ઉમટશે
કારતક સુદ અગિયારથી પૂનમ સુધી હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. જેથી ગામના મધ્યમાં ભગવાન શુકલેશ્વર, સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિર ખાતે મહા શિવરાત્રી અને કારતક સુદ અગિયારથી પૂનમ સુધી હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.
મીનળદેવીએ વિક્રમ સંવત 1011માં શુકલતીર્થનો યાત્રાવેરો માફ કર્યો
અણહિલવાડ પાટણના રાજા ચામુંડે પુત્ર વિયોગના આઘાતમાં શેષ જીવન જપ-તપમાં વિતાવ્યું હોવા સાથે અણહિલ પાટણના મીનળદેવીએ વિક્રમ સંવત 1011માં શુકલતીર્થનો યાત્રાવેરો માફ કર્યો હોવાનું પણ માનવામાં આવે છે.નર્મદા નદી કિનારે આવેલા અનેક મંદિરો પૈકી શુકલતીર્થને સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ ધામ ખાતે ધર્મરાજા યુધિષ્ઠિર, ભૃગુ ઋષિ, અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો, ચાણક્યની યાત્રાઓ સહિતની અનેક ગાથાઓ સંકળાયેલી છે.
શુકલેશ્વર મહાદેવ મંદિરે પણ બેગડો લૂંટ ચલાવવા આવ્યો
વિધર્મી લૂંટારું બેગડાએ તેના લશ્કર સાથે શુકલતીર્થ પણ ચઢાઈ કરી હતી. મંદિરને લૂંટવા સાથે શિવલીંગ ઉપર હુમલો કર્યો હતો.અને લૂંટ ચલાવી હતી.ત્રણેય શિવલીંગને નુકસાન કર્યું હતું.
શુકલતીર્થમાં વાર તહેવારે યાત્રાળુઓની સંખ્યા જોવા મળે છે
સમય જતાં શુકલતીર્થમાં મહાશિવરાત્રી અને સોમવારે તેમજ ધાર્મિક તહેવારો સાથે વાર તહેવારે ભક્તોની ભીડ જોવા મળે છે. ભક્તો શુકલેશ્વર, સોમેશ્વર અને પટ્ટેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.