ભરૂચ જીલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો, ભારે વાવાઝોડું ફુંકાયુ
ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડુ ફૂકાયું હતું. તેમજ વરસાદ પડ્યો હતો. વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થઇ હતી. તેમજ વીજ પુરવઠો ખોરવાયો હતો.
Aarti Machhi, Bharuch: આજે ફાગણ સુદ પૂનમ હોય સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ માહોલ જોતા લાગે છે કે, અમુક વિસ્તારમાં હોળી પર માવઠાનું પાણી ફરી વળશે. ભરૂચ જિલ્લામાં આજે વાવાઝોડું ફૂંકાય રહ્યું છે. વરસાદના છાંટા પણ પડયા છે. જેને પગલે શહેર વાસીઓની હોળી બગડશે.
વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.
જ્યારે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન પણ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી છે.
વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની
આજરોજ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો. એકાએક પવન પુર ઝડપે ફૂંકાયો હતો. શહેરમાં અચાનક વાવાઝોડું આવતા લોકો પોતાની છત પર દોડી આવ્યા હતા.કપડા લઈ લીધા હતા. અમુક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની હતી.
શહેરના અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આકાશમાં જાણે વાદળોની ફોજ ઉતરી આવી હતી. વાદળોનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો. પરંતુ નાના બાળકો જાણે આ તોફાનની મજા લેતા હોય તેમ ઘરની બહાર દોડી આવ્યા હતા.
ધૂળિયા વાતાવરણને કારણે વાહન ચાલકોને હાલાકી વેચવાનો વારો આવ્યો હતો. વાહન ચાલકો પોતાના વાહનો સાઈડ પર ઉભા રાખીને ઊભા રહ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયુ હતુ.