કોરોના કાળના બે વર્ષ બંધ રહ્યા બાદ ઐતિહાસિક મઢી - કબીરવડ હોડી ઘાટ શરૂ થયો છે.બે વર્ષથી બંધ હોવાના કારણે પ્રવાસન ધામને અસર પડી હતી. અહીં 5 થી 11 વર્ષના બાળકો માટે રૂપિયા 55 અને 11 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 83 રૂપિયાનું ભાડું લેવામાં આવે છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી કિનારે 14 જેટલા હોડી ઘાટ જિલ્લા પંચાયતના હસ્તક છે, જેની હરાજી કરી ઇજારો આપવામાં આવે છે. આ તમામ ઘાટ પૈકી મઢી કબીર વડ ઘાટ સૌથી વધુ મહત્વ ધરાવે છે.
આ ઘાટ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે યાત્રાળુઓ માટે બંધ હોવાથી પ્રવાસનધામ પર અસર પડી હતી હોડી ઘાટ બંધ હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી હતી. હાલ બે વર્ષ બાદ જિલ્લા પંચાયત દ્વારા હરરાજી કરી ગત તારીખ 22મી ઓગસ્ટથી જય માતાજી હોડી ઘાટ સર્વિસના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
11 વર્ષના બાળકોના 55 રૂપિયા અને અન્યના 83 રૂપિયા ભાડું
હોડી ઘાટ શરૂ થતાં જ ધીરે ધીરે યાત્રાળુઓ ઐતિહાસિક કબીર વડ ખાતે આવી રહ્યા છે. હોડીમાં સવાર થઈ કબીર વડ જઈ રહ્યા છે. મઢી-કબીરવડ ઘાટથી સામે પાર જવા માટે 5 થી 11 વર્ષના બાળકો માટે રૂપિયા 55 અને 11 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 83 રૂપિયાનું ભાડું લેવામાં આવે છે.
મંગલેશ્વર કબીર વડ ઘાટથી નીચે દાદર ઉતરી નર્મદા નદીના કિનારે જ્યાં હોડી ઘાટની ઇજારો લેનાર રાહુલ માછી અને તેમના ભાઈ દ્વારા બે બોટ થકી શ્રધ્ધાળુઓને સામે પાર લઈ જતા હોય છે.નિર્ધારિત કરેલા લોકોને જ એક હોડીમાં બેસાડવામાં આવે છે.
સ્પેશ્યલ તરતી જેટી મુકવામાં આવી
હોડીમાં તરવૈયાઓ હોય છે. દુર્ઘટના ન બને તે માટે તૈનાત રહે છે. હોડી સુધી પહોંચવા માટે સ્પેશ્યલ તરતી જેટી મુકવામાં આવી છે.જેની કેપિસિટી 200થી વધુ માણસોની છે.
શનિવાર અને રવિવારની રજામાં લોકો ઉમટી પડે
હોડીમાં બેસી કબીર વડ જવાનો આનંદ અલગ છે. હોડી સવાર શ્રદ્ધાળુઓના મુખ પર અનેરું સ્મિત જોવા મળે છે.શનિવાર અને રવિવારના લોકો અહીં ઉમટી પડે છે. હોડી ધારકો પણ શનિવાર અને રવિવારની રજાની રાહ જોતા હોય છે. જિલ્લામાં વસતા લોકો અન્ય સ્થળો સાથે કબીર વડ ખાતે આવે તે માટે હોડી ઘાટનો ઇજારો લેનાર કોન્ટ્રાક્ટર આગ્રહ કરી રહ્યા છે.