પવિત્ર નર્મદા નદીની પરિક્રમા કરતા દંપતી અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યું
પવિત્ર નર્મદા નદીની પરિક્રમા કરવા નીકળેલું દંપતી અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યુ છે. નર્મદા નદીની પરિક્રમા પહેલા રોજ 10 કિલોમીટર ચાલીને પ્રેક્ટિસ કરી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા, ત્યારે લોકોને મળી પરિક્રમાની માહિતી મેળવી હતી.
Aarti Machhi, Bharuch: પુરાણોમાં નર્મદા નદીની પરિક્રમા કરવાથી અનેક પાપ ધોવાઈ જતા હોવાની માન્યતા છે. જેથી સેંકડો લોકો દેશ-વિદેશથી વિવિધ પ્રકારની નર્મદા પરિક્રમા કરતા હોય છે. નર્મદા પરિક્રમાના આઠ પ્રકાર છે. સાધુ,સંતો, મહંત અને અનેક લોકો માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા છે.
નર્મદાની પરિક્રમાને લઈને હજારો પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં નજરે પડી રહ્યા છે. મોટર માર્ગે બસ અને પદયાત્રા કરી પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા છે. યુવાનો, મહિલાઓ અને અનેક શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરે છે.
પુણેના નિવૃત અધિકારી અને તેના પત્ની પરિક્રમા કરવા આવ્યા
મહારાષ્ટ્રના હવેલી તાલુકાના મુસીમાં રહેતા શોભાબેન પ્રકાશભાઈ પાટીલ અને તેમના પતિ પ્રકાશભાઈ કાશીનાથ પાટીલ કે જે પુણે નગરપાલિકા સંચાલિત ટ્રાન્સપોર્ટેશનમાં મેકેનિક તરીકે ફરજ બજાવતા હતા. હાલ નિવૃત્તિનું જીવન વિતાવી રહ્યા છે. તેવો ગત વર્ષે પુણેથી સાયકલ યાત્રા ખેડી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા હતા.
તે દરમિયાન તેઓ કેટલાક નર્મદા પરિક્રમાવાસીઓને મળ્યા હતા. લોકો પાસેથી તેમણે નર્મદા પરિક્રમા અંગે માહિતી મેળવી હતી.તેમજ છ મહિના ઈન્ટરનેટ પર વિવિધ નર્મદા પરિક્રમાના વીડિયો જોયા હતા અને પત્ની શોભાબેનને નર્મદા પરિક્રમા અંગે વાત કરી હતી.
લોકોમાં દયાભાવના અને ઉદારતા
દંપતીએ નર્મદા પરિક્રમા દરમિયાનના તેઓના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશતા જ નર્મદા પરિક્રમાવાસીઓને આપવામાં આવતી સેવાઓ અદભુત છે. અહીંના લોકોમાં દયાભાવના સાથે ઉદારતા છે.નર્મદા પરિક્રમા દરમિયાન અનેક મદદ મળી છે.
10 કિમી ચાલવાની પ્રેક્ટિસ શરુ કરી
દંપતીએ નર્મદાની પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું. બાદ શોભાબેને 10 km રોજે રોજ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.આ દંપતી 3 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશથી નર્મદાની પરિક્રમા માટે નીકળ્યા છે. લાંબુ અંતર કાપી આજ રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યું હતું. દંપતી તીર્થસ્થાન રામ કુંડ ખાતે આવી પહોંચ્યા હતા.