Aarti Machhi, Bharuch: હિંદુઓના પવિત્ર તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હિંદુઓ હોળી પર્વે ઘઉંની સેવ ખાવાનું ચૂકતા નથી. બજારોમાં અનાજ-કરિયાણાની દુકાનોની બહાર ઘઉંની સેવના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યાં છે. ભરૂચમાં એક પરિવાર છેલ્લા 40 વર્ષથી ઘઉંની સેવ બનાવે છે. પરિવાર બહારથી આવતા લોકોનો સામાન લઈ નજીવી મજૂરી સાથે ઘઉંની સેવ પણ બનાવી આપે છે.
ભરૂચમાં લોકો દૂર દૂરથી ઘઉંની સેવની ખરીદી માટે આવે છે
ઘરના મુખ્ય મહિલા સદસ્ય સંગીતાબહેન ઉમેશભાઈ ભોઈ છેલ્લા 40 વર્ષથી ધંધો સંભાળે છે. તેઓ મૂળ રહેવાસી વડોદરાના છે. હાલ ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં રહે છે. આ વ્યવસાય તેમનાં સાસુ બાદ તેઓ સંભાળે છે.
ભરૂચમાં એક માત્ર પરિવાર ઘરે સેવ બનાવીને આપે છે.જેને પગલે હોળી પર્વે ભરૂચમાં દૂર દૂરથી લોકો પરિવાર પાસે ઘઉંની સેવ બનાવવા માટે આવી રહ્યા છે. સુરતથી પણ ઘણા લોકો ઘરે બનાવેલી ઘઉંની સેવ લેવા માટે આવે છે.
હાલ ઘઉંની સેવનો માર્કેટ ભાવ 140 રૂપિયા કિલો
પરિવાર લોકો પાસેથી 1 કિલો સેવ બનાવવાની 50 રૂપિયા મજૂરી ખર્ચ લે છે. હાલ સેવનો માર્કેટ ભાવ 140 રૂપિયા કિલો ચાલે છે. ગત વર્ષે ઘઉંની સેવનો માર્કેટ ભાવ 80 રૂપિયા હતો. જેમાં ચાલુ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. શિવરાત્રીની શરૂઆત કરી ધૂળેટી સુધી આ પરિવાર વ્યવસાય કરે છે.
પ્રપોત્ર પણ દાદીના વ્યવસાય સાથે સંકળાયા
વિશાલ ઉમેશભાઇ ભોઈ તેઓનો પુત્ર પણ દાદીનો વ્યવસાયને આગળ વધારવામાં મદદરૂપ થઈ રહ્યો છે. આજના સમયના યુવાનો પણ આ રીતે બાપ દાદાઓનો વ્યવસાય સાચવીને સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ aartimachhi007@gmail.com પર સંપર્ક કરો.