ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ,રમત-ગમતથી તમામ તાલીમ આપવામાં આવી રહી છે. 20 વર્ષથી અવિરત ચાલતી મનોદિવ્યાંગ બાળકોની એકમાત્ર વિના મૂલ્યે નિવાસી સંસ્થા છે.
Aarti Machhi, Bharuch: માતા-પિતાની પ્રેરણા સાથે સેવા જ જીવન થકી સેવાકાર્ય શરૂ કરનાર મૂળ ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામના અને અમેરિકામાં સ્થાયી થયેલા પ્રવીણભાઈ પટેલ અને તેઓના પત્ની અરુણાબેન પટેલ દ્વારા 2003માં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદ વર્ષ-2007માં મનો દિવ્યાંગ બાળકો માટે નબીપુર-દયાદરા રોડ ઉપર વિના મૂલ્યે નિવાસી શાળા શરૂ કરવામાં આવી હતી.અહીં બાળકોને શિક્ષણ,રમત-ગમતથી તમામ તાલીમ આપવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં હાલ મેંટલી ચેલેન્જ 96 બાળકો છે
મનો દિવ્યાંગ બાળકોને અદ્યતન વિશિષ્ટ પદ્ધતિથી સ્માર્ટ ડિજિટલ વર્ગો દ્વારા શિક્ષણ સાથે તાલીમ આપવામાં આવી રહી છે. માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે થેરાપીઓ તમામ સુવિધા તદ્દન વિના મૂલ્યે અપાઈ છે.દરેક બાળકોને વ્યક્તિગત દેખરેખ તેમજ વ્યક્તિગત તાલીમ પણ આપવામાં આવી રહી છે.અદ્યતન ફિઝીયોથેરાપી, સ્પીચ થેરાપી,ઑક્યુપેશનલ થેરાપી સેન્ટર પણ કાર્યરત છે.જ્યાં પ્લે થેરાપી દ્વારા હસતા-રમતા તાલીમબદ્ધ શિક્ષણ પણ પૂરું પડાઈ રહ્યું છે.ભરૂચ જિલ્લામાં હાલ મેંટલી ચેલેન્જ 96 બાળકો છે.વર્ષ 2007માં શરૂઆત કરી ત્યારે 30 બાળકોથી કરી હતી.
ઇન્ડોર રમતો,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે તાલીમ આપવામાં આવે
નિવાસી શાળામાં 18 વર્ષથી વધુના માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે અદ્યતન વ્યવસાયી તાલીમ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.વિશાળ એક્ટિવિટી હોલ કે જ્યાં ઇન્ડોર રમતો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે.સાથે જ વિવિધ રમતો થકી બાળકોને રમત-ગમત સ્પર્ધા માટે તાલીમ આપવામાં આવી રહી છે,જેને કારણે કેટલાક બાળકોએ સ્પેશ્યલ ઑલોમ્પિક,ખેલ મહાકુંભમાં ભાગ લઈ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે.અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ચાર દિવ્યાંગતા જેવી કે મનો દિવ્યાંગ,સેરેબ્રલ પાલસી,ઓઝિયમ અને વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે નિરામયા તેમજ ગારડીયનશિપ યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે.
કેમ્પસ સીસીટીવી કેમેરાની નજર હેઠળ સુરક્ષિત
સંસ્થા ખાતે રહેવા જમવાની તમામ સુવિધા તદ્દન વિના મૂલ્યે આપવા સાથે રમત-ગમત માટે ગ્રાઉન્ડ,બાગ બગીચા,રમતના સાધનો,બાળકો માટે છાત્રાલયમાં એસીની સુવિધા,શાકભાજી માટે વાડી,ફાયરની વ્યવસ્થા તેમજ આરોગ્ય સેવાઓથી સજ્જ વ્યવસ્થા અને અગત્યનું તમામ કેમ્પસ સીસીટીવી કેમેરાની નજર હેઠળ સુરક્ષિત છે. ખાસ વાલીઓને તેમજ બાળકોને મૂંઝવતા પ્રશ્નો માટે કાઉન્સેલિંગ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.તેમજ વર્ષમાં એક બે વાર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખરા અર્થમાં મનો દિવ્યાંગ બાળકો માટે ના ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થા છે.