Aarti Machhi, Bharuch : ફાગણ સુદ પૂનમ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી છે.હોળી સાથે અનેક કથાઓ પ્રચલિત છે. આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ પાંચ દિવસ સુધી હોળીના પર્વની ઉજવણી કરે છે. ફાગણ સુદ પુનમના રોજ હોળી પ્રગટાવી હોળીની પૂજા કરે છે. છાણમાંથી બાળકોએ હોલિકા દહન માટે બનાવેલ ગાડળી(છાણા) હોલીમાં લાકડાઓની સાથે મૂકી પ્રગટાવવા આવે છે જેથી પ્રદુષણ ફેલાતું નથી જેથી આદિવાસીઓને પ્રકૃતિ પૂજક પણ કહેવામાં આવે છે. ઝઘડિયા તાલુકાની અનોખી હોળીની પ્રથા ઝઘડિયા તાલુકાના વણખૂટા ગામે વર્ષોથી રાજાની હોળી પ્રખ્યાત છે. એક કહેવત અનુસાર રાજપીપળાના રાજા ઉપર આક્રમણ થતા જંગલ વિસ્તારમાં જતા રહેવું પડયું હતું. જેઓ ફરતા ફરતા વણખૂટાના રાજાકુવા ગામે આવી ગયા હતા. જ્યાં રોકાણ કર્યું હતું. દિવસોમાં હોળી પર્વ આવતો હોય રાજાના રાજમા આદિવાસી સમાજના લોકોએ ભેગા મળી હોળીની ઉજવણી કરી હતી. જેથી વણખૂટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ હતી.જે આજે પણ ચાલુ છે.
વિજયસિંહ રાજાના સમયથી ચાલતી હોળીનું આજે પણ અસ્તિત્વ રાજા વિજયસિંહની ઉપસ્થિતિમાં હોળી ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. ઉત્સવને આજે ગામના આદિવાસી સમાજના લોકોએ સાચવી રાખ્યો છે અને આજે વિધિવત રીતે છાણા(ગાડલી) અને લાકડાઓ એકઠા કરી તેમાં પહેલા વાંસનો લીલો બમ્બુ પૂજન સાથે હોળીમાં વચ્ચો વચ્ચે ખોપી દેવામાં આવે છે અને તેની ફરતે લાકડા તેમજ છાણા ગોઠવી ફરી પૂજન વિધિ દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે. એક દિવસ અગાઉ થતી રાજાની હોળી સામાન્ય રીતે લોકો હોલિકા દહન પુનમના દિવસે કરે છે. પરંતુ આ ગામમાં રાજાના સમયથી ચાલી આવેલ પ્રથા મુજબ ચૌદશના રોજ એટલે કે એક દિવસ અગાઉ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે.
ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે હોળી પ્રગટાવી ગ્રામજનોએ ગામના મુખી અને સરપંચ,સભ્યો તેમજ આગેવાનોની આગેવાનીમાં હોળીની વિધિ શરૂ કરી હતી. જ્યારે મોડી સાંજે ધારાસભ્ય રિતેશ વસાવા ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓના હસ્તે પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. ગ્રામજનો અને ઘેરૈયાઓએ ખજૂર,કોપરા, ધાણી , ચણા સહિતની સામગ્રી હોળી માતાને અર્પણ કરી હતી. અને આશીર્વાદ મેળવ્યા હતા જ્યારે સમગ્ર વર્ષ પશુઓ નિરોગી રહે તે માટે પશુ પાલકોએ ઘાસના પૂળા થોડા સળગાવી પશુઓને ખવડાવ્યા હતા. મહિલાઓએ હોલિકા દહનમાં પ્રદક્ષિણા કરી હતી. સાથે સુખ,શાંતિ તંદુરસ્તી અને નિરોગી રહેવા સહિત પરિવારજનો ઉપર કૃપા રહે તેવી પ્રાર્થના કરી હતી.