ભરૂચની 5 બેઠકો પૈકી જંબુસર બેઠક પર અત્યાર સુધી યોજાયેલી 12 ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીતવામાં સફળ રહ્યું છે.
jambusar assembly constituency: ભરૂચની 5 બેઠકો પૈકી જંબુસર બેઠક પર અત્યાર સુધી યોજાયેલી 12 ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીતવામાં સફળ રહ્યું છે. જેંમાં રસપ્રદ વાત એ છે કે પાંચેય વખત ભાજપના ઉમેદવાર મોરી છત્રસિંગ જ હતા.
2022 અંતે યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) માટે બધા જ પક્ષોએ પોતપોતાની જીતની ફોર્મ્યુલાઓ અજમાવવાની શરુ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ સક્રિય થઇ ગયા છે. લોકો સાથે સીધો સંપર્ક સાધવાના પ્રયત્નો શરુ થઇ ગયા છે. ભાજપને ગઈ ચૂંટણીઓમાં અમુક બેઠક પર હાર સહન કરવી પડી હતી. જેમાંની એક ભરૂચના જંબુસરની બેઠક હતી. જંબુસર એ રાજ્યની 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીની એક બેઠક છે.તે ભરૂચ જિલ્લાનો ભાગ છે. જંબુસર ખેતી અને ઔદ્યોગિક એકમો માટે જાણીતો વિસ્તાર છે.
મતદારોની સંખ્યા
જંબુસર બેઠકમાં કુલ મતદાર સંખ્યા 239157 છે, જેમાં પુરુષ મતદાર 123792 છે અને મહિલા મતદાર 115359 છે. જંબુસરમાં 62596 મુસ્લિમ 33336 કોળી પટેલ, 47 હજાર અનુસુચિત જાતિ-જનજાતિ, 14 હજાર ઓબીસી, 23500 પટેલ અને 14300 રાજપૂત મતદારો છે.
આ વિધાનસભા બેઠકમાં બે તાલુકા જંબુસર અને આમોદનો સમાવેશ થાય છે. આમોદ તાલુકો 2007 સુધી વાગરા વિધાનસભામાં ગણાતો હતો. આમોદના 42 ગામ જંબુસરની બેઠક માટે ઘણા નિર્ણાયક સાબિત થાય છે. જેમાં મુસ્લિમ મતદાર અને ઓબીસી મતદારોના મત મુખ્ય ફરક લાવી શકે છે.
2007ની ચૂંટણીમાં આ 42 ગામોમાંથી કોંગ્રેસને અંદાજે 8 હજાર જેટલી લીડ મળી હતી. 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ જેસંગભાઈ સોલંકી ભાજપના સશકત નેતા મોરી છત્રસિંગ પૂજાભાઈને 6465 મતથી હરાવીને જંબુસરના ધારાસભ્ય બન્યા હતા.
જંબુસર બેઠકની વિશેષતા
ભરૂચની 5 બેઠકો પૈકી જંબુસર બેઠક પર અત્યાર સુધી યોજાયેલી 12 ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપ જીતવામાં સફળ રહ્યું છે. જેંમાં રસપ્રદ વાત એ છે કે પાંચેય વખત ભાજપના ઉમેદવાર મોરી છત્રસિંગ જ હતા.
2007 અને 2017 માં કોંગ્રેસ ના ઉમેદવાર તેમને જ હરાવીને વિજેતા બન્યા છે એટલે કે ભાજપે છેલ્લી 7 ચૂંટણીથી પોતાનો ઉમેદવાર બદલ્યો નથી. જોકે, આખરી ચૂંટણીમાં મળેલી હાર તેમજ યુવા ચહેરાઓને ચૂંટણીમાં ઉતારવાની ભાજપની રણનીતિ મુજબ આ વખતે કોઈ નવી ચહેરો જોવા મળવાની શક્યતાઓ છે.
જંબુસર બેઠકની બીજી મહત્વની વાત એ છે કે, અહીં રાજ્યની સ્થાપના બાદથી યોજાતી રહેલી ચૂંટણીમાં જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. જેથી અત્યાર સુધીની એકપણ ચૂંટણીમાં જંબુસર બેઠક પર 50 ટકાથી ઓછું મતદાન થયું નથી. તેથી અહીં રાજકીય પક્ષોએ ભારે સક્રિયતા સાથે ચૂંટણી કાર્યક્રમો યોજવાની ફરજ પડે છે.
જંબુસર બેઠકમાં મુસ્લિમ મતો અને કોળી પટેલ સમાજના મત નિર્ણાયક હોય છે એની કોળી સમાજ માત્ર 16% હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ કોળી ઉમેદવાર ને પ્રાધાન્ય આપે છે.
ટિફિન બેઠકોનો સિલસિલો
આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જંબુસરમાં અત્યારથી માહોલ જામી ગયો છે. દરેક પક્ષો પોતપોતાની જીત નિશ્ચિત કરવા અલગ અલગ રીતે કામે વળગી ગયા છે, અહીં ક્યાંક ખાટલા બેઠક તો ક્યાંક ટિફિન બેઠક યોજાઈ રહી છે.
પીએમ મોદી થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ સાથે યોજાયેલી તેમના દ્વારા ટિફિન બેઠક ફરી શરૂ કરવા ટકોર કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મહામંત્રી તરીકે કાર્ય કરતા હતા ત્યારે ટિફિન બેઠક કરવામાં આવતી હતી.
હવે તેમણે ભુલાઈ ગયેલી આ પ્રથા ફરી શરુ કરી તમામ બુથ સ્તરે ટિફિન બેઠકો યોજવાનો આદેશ આપ્યો હતો. એ પ્રમાણે રાજ્યભરમાં ટિફિન બેઠકો યોજાઈ રહી છે. જંબુસરમાં પણ હાલમાં વેડચ ગામે ટિફિન બેઠક યોજાઈ હતી.
ત્યારે જંબુસરમાં APMC હૉલ ખાતે ધારાસભ્ય સંજય સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન થયું હતું. આ બેઠક માં આગામી ચૂંટણીમાં યુવા કાર્યકરોને માર્ગદર્શન આપવાની સાથે આગામી ચૂંટણીમાં ભવ્ય જીત માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
શું સંજય સોલંકી ભાજપમાં જોડાશે ?
થોડા સમય પેહલા જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જંબુસર ખાતે નવનિર્મિત પ્રકલ્પોના લોકાર્પણ માટે પહોંચ્યા ત્યારે હેલીપેડ ઉપર ભરૂચ જીલ્લા ભાજપના કાર્યકરો સાથે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે ઉપસ્થિત હતા.
સંજય સોલંકીએ સી.આર.પાટીલને ગુલદસ્તો આપી સ્વાગત કરતા તેમની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવાની વાતો વહેતી થઇ હતી.
અહી ઉલ્લેખનિય છે કે, અગાઉ જંબુસરમાંથી જ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય બની ચૂકેલા કિરણ મકવાણાએ કોંગ્રેસનો છોડી ભાજપનો સાથ આપ્યો છે. કોંગ્રેસ પાસે જિલ્લાની પાંચ બેઠકો પૈકી એક માત્ર બેઠક જંબુસરની છે. ત્યારે આ બેઠક ઉપર પણ વર્તમાન ધારાસભ્યના વ્યવહારથી કોંગ્રેસને ખુબ મોટો ઝાટકો લાગવાની શક્યતા છે.
બે વર્ષ પેહલા પણ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન વાત વહેતી થઇ હતી કે, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ તેમના અત્યંત નજીકના જંબુસરના કોંગી ધારાસભ્ય પક્ષ પલટો કરશે. પણ ત્યારે સંજય સોલંકીએ હુંકાર કર્યો હતો કે “હું કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં રહેવાનો છું”
હવે આવનારા સમયમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે કોંગ્રેસના વિજયી ઉમેદવાર ભાજપમાં જોડાય છે કે કોંગ્રેસને વફાદાર રહે છે? જંબુસરના ભાજપના પૂર્વ નેતા ખુમાનસિંહ વાંસીયા ભાજપમાં ફરી જોડાઈ ગયા છે જે ભાજપ તરફથી ઉમેદવાર માટે પ્રબળ દાવેદારી નોંધાવી શકે છે.
ભાજપ માટે સંજય સોલંકી સામે કયા ઉમેદવારને ટિકિટ ફાળવવી એ પડકાર રહેશે. એવામાં તેઓ કોઈ નવા ચહેરાને સામે લાવશે, જુના ઉમેદવાર પાર જ ભરોસો મુકશે કે કોંગ્રેસમાંથી જ નેતા આયાત કરવાનો રસ્તો પકડશે?