અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના કેટલાક ખેડૂતો વર્ષોથી જમરૂખની ખેતી કરી રહ્યા છે. ચાર મહિનામાં 30 ગણી આવક થઇ છે.આ વિસ્તારના ખેડૂતોએ જમરૂખની ખેતીને જીવંત રાખી છે.
Aarti Machhi, Bharuch: છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યમાં દેશી જમરૂખની ખેતી કરવામાં આવે છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ભરૂચ, અંકલેશ્વર, નવસારી અને ઝગડીયા વિસ્તારમાં ખેતી થાય છે. છેલ્લા 15 થી 20 વર્ષોથી ખેડૂતોની જમરૂખની અનેક વાડીઓ આવેલી છે. ત્યારે આવી જ એક વાડી અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ છે.
ખેડૂતની વાડીમાં 200 જમરૂખી
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારમાં ખેડૂત હસમુખ અમયદાસ પટેલ છેલ્લા આઠ વર્ષથી જમરૂખની ખેતી કરે છે. ખેડૂતે જણાવ્યું હતું ક, તેની વાડીમાં 200 જેટલી જમરૂખી છે. તેની ગોરાડું જમીન ઉપર જમરૂખનો પાક કરવામાં આવે છે અને આ જમીન જમરૂખના પાકને માફક આવે છે.
બોરબાઠા બેટ નર્મદા નદી કિનારે આવેલ હોવાથી આ જમીનમાં થતા જમરૂખનો પાક મીઠો હોય છે. અહીં થતા જમરૂખમાં અલગ જ મીઠાશ હોય છે.
ચાર મહિનામાં ખેડૂતને 30 ગણી વધુ આવક
ખેડૂતે જણાવ્યું હતું કે, જમરૂખની ખેતી ચોમાસુ અને શિયાળામાં થાય છે. માત્ર ચાર મહિનામાં ખેડૂત 30 ગણાથી વધુ આવક મેળવે છે. ખેડૂત ખાતર તરીકે એનપીકેનો ઉપયોગ કરે છે.
પાકના સંતુલિત વિકાસ માટે મેક્રો પોષક તત્વોની જરૂર છે, જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરનો સમાવેશ થાય છે. એનપીકે ખાતર જમીનને એસિડિફાઈ ન કરતું હોવાથી ઘણું સારું છે.
મખ્ખી ટ્રેપનો ઉપયોગ કરીને ખેતી
ખેડૂત જમરૂખના પાકમાં મખ્ખી ટ્રેપનો ઉપયોગ કરીને ખેતી કરે છે. આ ટ્રેપ જમરૂખી ઉપર લટકાવ્યા પછી ફળમાખી પકડાય જાય છે. પાક પર ફળમાખી પોતાનું પ્રભુત્વ જમાવી ફળની ગુણવત્તા ઘટાડે છે.
તેથી મખ્ખી ટ્રેપનો ઉપયોગ કરી સારો પાક મેળવી શકાય છે.ખેડૂત હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, તેઓની વાડીમાં 200 જમરૂખી છે. કે તેઓ માર્કેટના ભાવે જમરૂખ આપતા નથી. ડાયરેક્ટ ઉતારીને ત્યાં જ તેનું વેચાણ કરી દે છે.