પરવળની ખેતીમાં પાકમાં સૌથી વધુ ઉતારો મળતો હોવાથી ખેડુતોને ફાયદો
ભરૂચ જિલ્લો વેલાવાળા શાકભાજીના ઉત્તમ પાક એવા પરવળની ખેતી માટે જાણીતો છે.ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ખેડૂત પરવળની ખેતી કરી રહ્યા છે.યોગ્ય માવજત કરવામાં આવે તો 15 મણથી વધુ ઉત્પાદન થાય છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામના નિશાળ ફળિયામાં રહેતા ખેડૂત હિતેશભાઈ અરવિંદભાઈ પટેલ છેલ્લા સાત વર્ષથી પરવળની ખેતી કરે છે. પરવળની ખેતી સૌથી વધુ ચોમાસામાં થાય છે. તેમજ ગરમીથી પરવળના વેલા વધુ ઉતરે છે.
40થી 45 હજાર રૂપિયાના ખર્ચમાં તેઓએ જાતે જ મંડપ ઊભો કર્યો
ખેડૂત હિતેશભાઈ અરવિંદભાઈ પટેલ પોણા વીઘા જમીનમાં પરવળના વેલાનું વાવેતર કરે છે. 40થી 45 હજાર રૂપિયાના ખર્ચમાં તેઓએ જાતે જ મંડપ ઊભો કર્યો છે. પરવળની ખેતીમાં તેઓને બિયારણ કે છોડ લાવવાની જરૂર રહેતી નથી. પોતાના જ જુના પરવળના વેલા કટ કરીને તેમાંથી ત્રણ ગાંઠ વાવી દે છે. એકવાર પરવળના છોડ લાવ્યા બાદ તે બે વર્ષ સુધી ચાલે છે.
મહિનામાં બે વખત ખાતરનો ઉપયોગ
ખેડૂત ખાતરમાં સલ્ફેટ, ડાય, યુરિયાનો વપરાશ કરે છે. ડાય 1400 રૂપિયા, સલ્ફેટ 1000 રૂપિયા, યુરિયા 300 રૂપિયાનું પડે છે. ખાતર મહિનામાં બે વખત નાખે છે. ખેડૂત થાંભલે થાંભલે પરવળના દરેક વેલામાં ખાતરનો વપરાશ કરે છે.
દર સાત દિવસે તેઓને 15 થી 20 મણ પરવળનું ઉત્પાદન
ખેડૂત એક અઠવાડિયામાં પરવળ તોડે છે. દર સાત દિવસે તેઓને 15 થી 20 મણ પરવળનો પાક મળી રહે છે. પરવળની ખેતીમાં એકવાર થાંભલા લગાવી દેવામાં આવે ત્યાર બાદ ખર્ચ ઘણો ઓછો થાય છે. અને સારી આવક મળી રહે છે.
પરવર ખવાના અનેક ફાયદાઓ
પરવળ ખાવાના ઘણા ફાયદાઓ રહેલા છે. પરવળનું શાક ખાવાથી પાચનશક્તિ વધે છે. તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે.
બીમાર માણસ માટે તે માટે ખુબ જ ગુણકારી નીવડે છે.પરવળ પાચક, હૃદયને હિતકારી, વીર્ય વધારનાર, હલકું અને જલ્દી પચી જનાર છે, તે પેટ ના કીડાઓને મારનાર છે.
માર્કેટમાં સારો ભાવ મળે છે
પ્રેમ પટેલે જણાવ્યું હતું કે, મંગલેશ્વરમાં પરવળની ખેતી વધારે થાય છે. તેઓ અને તેઓના પિતા હિતેન્દ્રભાઈ છેલ્લા સાત વર્ષથી પરવળની ખેતી કરે છે. પરવળનો ભાવ માર્કેટમાં સારો મળે છે. માર્કેટમાં વેચવા જાય તો 1,000થી લઈને 1,200 સુધીનો ભાવ મળે છે. મંડપ તેમજ વાવેતર મળી 60 હજારથી વધુનો ખર્ચો થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર