શેત્રુંજય ગિરિરાજના સંરક્ષણ માટે ભરૂચ ખાતે સકલ જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
સકલ જૈન સમાજ ભરૂચ દ્વારા શાશ્વત સમ્મેદ શિખરજી અને પાલિતાણાના શેત્રુંજય તીર્થની તળેટીમાં અસામાજિક તત્વોએ કરેલ તોડફોડ સામે સંરક્ષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચબત્તી સર્કલથી કલેકટર કચેરી સુધી શેત્રુંજય તીર્થ સંરક્ષણ માટે બચાવ અભિયાન રેલી
Aarti Machhi, Bharuch: જૈનોના વીસ તીર્થંકર અને અનંત આચાર્યો, મુનિઓ, સાધુઓ-સંતોની પવિત્ર નિર્વાણ ભૂમિ સમ્મદ-શિખરજી પારસનાથ પર્વત ગિરિડીહ (ઝારખંડ) અને પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની તપોભૂમિ શત્રુંજય ગિરિરાજ -પાલીતાણા પર અસામાજિક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે સમગ્ર જૈન સમાજમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે.
ઝારખંડ સરકાર દ્વારા સમ્મદ શિખરજી તીર્થને પયર્ટન સ્થળ તરીકે વિકસાવવાના સરકારની સંભવિત યોજના સામે પણ ખુબ જ અસંતોષ જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે બંને તીર્થક્ષેત્ર સ્વતંત્ર ઓળખાણ અને સંરક્ષણ હેતુ, વિશ્વ જૈન સંગઠન દ્વારા 'શ્રી સમ્મેદ-શિખરજી બચાઓ' અને 'શ્રી શેત્રુંજય બચાઓ આંદોલનના સમર્થનમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ભરૂચ જિલ્લામાં પણ વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચના પાંચબત્તી સર્કલથી કલેકટર કચેરી સુધી શેત્રુંજય તીર્થ સંરક્ષણ માટે બચાવ અભિયાન રેલી
ભરૂચ જિલ્લાના ચાર ફીરકાના જૈનોની રેલીનું આજે આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલી ભરૂચના પાંચબત્તીથી નીકળી હતી. સમ્મદ શિખર અને શત્રુંજયને પર્યટન સ્થળ જાહેર કરી દેતા તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. હમારી માંગે પુરી કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રેલી કલેકટર કચેરી પહોંચી હતી. અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા કોઇ નિર્ણય નહિ લેવામાં આવે તો જૈન સમાજ આનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી
ભરૂચના જૈન સમાજના આશિષ જૈનએ જણાવ્યુ હતુ કે ઝારખંડ સરકારે સમ્મદ શિખરજી તીર્થને પયર્ટન સ્થળ તરીકે ઘોષિત કરવામા આવ્યુ છે. સાથે જ શત્રુંજય ગિરિરાજ - પાલીતાણા પર અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. જૈન સમાજ મૌન છે. સ
રકાર દ્વારા આ અંગેનું હજી સુધી સમાધાન આપ્યુ નથી. આ સંદર્ભે આજે જૈન સમાજ એક્ત્ર થઇ કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યુ છે. આ અંગે સરકાર દ્વારા કોઇ નિર્ણય નહિ લેવામાં આવે તો જૈન સમાજ આનો ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સરકાર વહેલી તકે જૈન સમાજના તીર્થોની સુરક્ષા માટે નિર્ણય કરે તેવી માંગ જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ પ્રવૃત્તિ અટકાવવા તેમજ બંને સ્થળોની સંરક્ષણ કરવા માંગ કરી છે.