ભરૂચ : ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા (Zaghadia) તાલુકામાં આજે એક કરૂણ ઘટના ઘટી છે. એક તરફ લોકો જ્યારે રક્ષાબંધનના તહેવારની ખુશીમાં હતા તે જ વખતે એક વૃદ્ધનું મગરના (Crocodile Killed Senior Citizen) હુમલામાં કરૂણ મોત થયું છે. આ ઘટના ઝઘડિયા તાલુકાના લીમોદરા (Limodra Zaghadia) ગામની છે. વૃદ્ધને નદીના પાણીમાં ખેંચી ગયેલા મગરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું મોત થઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ આવી ગયા હતા પરંતુ વૃદ્ધને બચાવી શકાયા નહોતા.
આ કરૂણ ઘટનાની વિગતો એવી છે કે આજે ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે એક વૃદ્ધને મગર ખેંચી જતા તેમનું મોત થયું છે. વૃદ્ધ ઢોર ચરાવવા માટે આવ્યા હતા ત્યારે તેમનું ધ્યાન નહોતું અને મગર અચાનક તેમને નદીમાં ખેંચી ગયો. જોકે, મગરનો હુમલો કેવી રીતે બન્યો અને વૃદ્ધ નદી કાંઠે હતા કે નદીના પાણીમાં હતા તે જાણી શકાયું નથી.
વૃદ્ધ પર મગર હુમલો કર્યા બાદ તેઓ તરફડિયા મારતા રહ્યા પરંતુ મગરની ચુંગાલમાંથી છુટી શક્યા નહીં. દરમિયાન 60 વર્ષના આ વૃદ્ધને મગરના હુમલામાં અતિ ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિક તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ કાઢ્યો હતો.
સ્થાનિક તરવૈયાઓએ વૃદ્ધના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ચોમાસાની આ ઋતુમાં મગર પોતાના બચ્ચાને જન્મ આપતા હોય છે અને તેના માટે તેઓ નદી કે તળાવના કિનારે દર બનાવે છે અને તેમાં જ બચ્ચાનો ઇંડામાંથી જન્મ થાય છે. આ ઉપરાંત હાલમાં વરસાદ ઓછો હોવાથી પાણીના સ્તર ઘટ્યા છે ત્યારે આ પ્રકારની અવાવરૂ જગ્યાઓ જતા લોકોએ પણ ચેતવું જોઈએ.
આગામી રજાના દિવસોમાં જ્યારે લોકો પ્રવાસ કરશએ ત્યારે નદી કિનારા કે તળાવના કિનારે કે અજાણી જગ્યાઓ પર આ પ્રકારના ખતરાની તકેદારી રાખવી અનિવાર્ય છે નહીંતર જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. લીમોદરાના આ વૃદ્ધ સ્થાનિક હતા છતાં તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ જોખમથી પરિચીત હોવા છતાં તેમનો મગરના હુમલામાં જીવ ગયો છે.
જાન્યુઆરીમાં ગીરસોમનાથમાં પણ આવી ઘટના ઘટી હતી
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢડાના થોરડી ગાર ગામમાં 27મી જાન્યુઆરીએ ગોરબાભાઈ ગોહિલ નામના આધેડ સાંગાવાડી નદી કિનારે પોતાના પશુ ચરાવતા હતા. આ સમયે નદીકાંઠે ઉભેલા ગોરબાભાઈ ગોહિલને મગર પાણીમાં ખેંચી ગયો હતો.
આ અંગે જાણ થતાં લોકોના ટોળાં નદી પાસે એકઠાં થયા હતા. સાથે જ વન વિભાગને આ અંગે જાણ કરતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને આધેડની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકો તૈરવૈયા અને વન વિભાગની ટીમની આશરે બે કલાકની ભારે મહેનત બાદ આધેડ ગોરબાભાઈ ગોહિલનો મૃતદેહ મળ્યો હતો.
ડેમ પાસે બેસી વાસણ ઘસી રહેલી 15 વર્ષની યુવતી પર મગરનો હુમલો, જડબામાં લઈ ખેંચી ગયો
ગીરસોમનાથના બાબરીયા રેન્જના ઝાંખીયા રાઉન્ડમાં પોપટડી નેશમાં રહેતા માલધારી ભાભલૂભાઇ વાઘની પુત્રી હિરલબેન ભાભલૂભાઇ વાઘ ઉ.વ.15 ગત વર્ષે 11મી નવેમ્બરના રોજ મચ્છુદરી નદીના ડૂબાણવાળા વિસ્તારમાં પાણીમાં વાસણ ધોવા ગઈ હતી. અહીં મગર દવારા હુમલો કરી મગર ઉડા પાણીમાં લઈ જતા મોત થયું હતું.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે, ઘણા સમય બાદ પણ દીકરી ઘરે ન આવી તો યુવતીના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે ડેમ પાસે વાસણ વેરવિખેર અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા, આ સિવાય મગરના પગના નિશાન પણ મળી આવતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.