વિરલ રાણા, ભરૂચ: અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઈન્દિરા આવાસમાં રહેતી 35 વર્ષીય પરિણીત મહિલાની ખુદ પતિએ જ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પાલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ખોટી શંકા રાખી પત્નીને મોતને ઘાટ ઉતારી
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે ઈન્દિરા આવાસમાં રહેતી 35 વર્ષીય પરિણીત મહિલાની તેના જ પતિ દ્વારા કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. ગઇકાલે રાત્રે ઈન્દિરા આવાસમાં રહેતી 35 વર્ષીય પરિણીત મહિલા જ્યોત્સના રણજીત વસાવા પોતાના ઘરે હતી. તે દરમિયાન તેનો પતિ રણજીત બાલુ વસાવાએ પત્ની જ્યોત્સના ચારિત્ર્ય અંગે ખોટી શંકા રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન એકાએક ઉશ્કેરાયેલા રણજીતે તેની પત્ની જ્યોત્સનાને કુહાડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્યોત્સનાને ગળાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.
કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યાને અંજામ આપી પતિ રણજીત બાલુ વસાવા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે મૃતક જ્યોત્સના વસાવાના મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. જ્યારે હત્યાને અંજામ આપી ફરાર થયેલા પતિ રણજીત વસાવા સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.