Home /News /bharuch /ભરૂચના એક વ્યક્તિએ સાત લોકોને નવજીવન આપ્યું, બ્રેઇનડેડ થતા અંગદાન કરવાનું નક્કી કર્યું
ભરૂચના એક વ્યક્તિએ સાત લોકોને નવજીવન આપ્યું, બ્રેઇનડેડ થતા અંગદાન કરવાનું નક્કી કર્યું
ફાઇલ તસવીર
ભરૂચનો એક યુવાન બ્રેઇનડેડ થતા તેને સુરત સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બ્રેઇનડેડ જાહેર થતા તેના સાત અંગોનું દાન કરવામાં આવ્યું હતું અને સાત લોકોને નવજીવન મળ્યું હતું.
સુરતઃ ભરૂચમાં રહેતા મિકેનિકેલ એન્જિનિયરિંગ 24 વર્ષીય શૈશવ ખેતીવાડી કરતો હતો. 13 માર્ચના દિવસે 8.30 વાગ્યાની આસપાસ સુણેવ ગામથી હજાત જઈ રહ્યો હતો. ત્યારે તરીયા બસ સ્ટેન્ડ પાસે તેનું બુલેટ સ્લીપ થઈ ગયું હતું અને તેને માથામાં ગંભીર ઇજાઓ થતા બેભાન થઈ ગયો હતો. ત્યારે તાત્કાલિક તેને અંકલેશ્વરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન તેને સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પરિવારજનોએ તેને વધુ સારવાર માટે સુરતમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ઓપરેશન પહેલાં જ તેનું હૃદય બંધ થઈ ગયું હતું. ત્યારબાદ તેને સીપીઆર આપી પાછું ધબકતું કર્યું હતુ. ત્યારબાદ તેની તબિયત બગડતા તેને 17 માર્ચે તેને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.
પરિવારજનોએ અંગદાન કરવાનું નક્કી કર્યું
ત્યારબાદ તેના પરિવારજનોએ તેનું અંગદાન કરવાનું નક્કી કર્યુ હતુ. આ મામલે તેમના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, શૈશવ ક્લિનિકલી બ્રેઈનડેડ છે પરંતુ બ્રેઈનડેડ જાહેર કરવા માટે હોસ્પિટલની બ્રેઈન સ્ટેમ ડેથ ડિક્લેરેશન કમિટી દ્વારા એપ્નીયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઈનડેડ જાહેર કરેલો હોવો જોઈએ પરંતુ શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ ન હોવાને કારણે એપ્નિયા ટેસ્ટ થઇ શકતો નથી. ઇલેક્ટ્રોલાઈટ્સ નોર્મલ થાય ત્યારબાદ તેના બંને એપ્નીયા ટેસ્ટ પોઝિટિવ આવે ત્યાર પછી જ અંગદાન થઇ શકે.
ત્યારે શૈશવના માતા મનીષાબેને હૃદય પર પત્થર મૂકીને રડતા રડતા જણાવ્યુ હતુ કે, ‘અમારો દિકરો ક્લિનિકલી બ્રેઈનડેડ છે ત્યારે તેના બધા જ રિપોર્ટ નોર્મલ થયા પછી બ્રેઈનડેડ જાહેર કરવા માટેના જે જરૂરી ટેસ્ટ હોય તે ટેસ્ટ કરાવીને જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવજો શરીર રાખ જ થઈ જવાનું છે. ત્યારે તેના અંગદાનથી કોઈકના લાડકવાયાને નવું જીવન મળશે.’ શૈશવના ઇલેક્ટ્રોલાઈટસ નોર્મલ થયા પછી તેના બંને એપ્નિયા ટેસ્ટ પોઝીટીવ આવતા અંગદાન માટેની સંમતિ આપવામાં આવી છે.
સાત અંગનું દાન કરવામાં આવ્યું
શૈશવના પરિવારમાં તેના માતા-પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, બહેન નિધી દીપક ફાઉન્ડેશન નામની સંસ્થામાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલને, ફેફસાં અમદાવાદની K.D હોસ્પિટલને, લિવર ઝાયડસ હોસ્પિટલને અને બંને કિડનીઓ અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી છે.