Home /News /bharuch /ભૃગુકચ્છ એટલે ભરૂચ : જ્યાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) બનશે નિર્ણાયક!

ભૃગુકચ્છ એટલે ભરૂચ : જ્યાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) બનશે નિર્ણાયક!

ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ તેમજ આદિવાસી નેતા અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ત્રિપાંખિયો જંગ

ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ તેમજ આદિવાસી નેતા અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ત્રિપાંખિયો જંગ

ન્યૂઝ18 ગુજરાતી: ભરૂચ લોકસભા બેઠક પર ત્રણ મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ભરૂચમાં ત્રિ-પાંખીયો જંગ થવાનો છે. બીટીપીના છોટુ વસાવા આદિવાસી સમાજ પર મોટું પ્રભુત્વ ધરાવે છે જે ભરૂચ બેઠક પર આદિવાસી મતોનું ધ્રુવીકરણ કરીને ચૂંટણીના પરિણામ બદલી શકે છે. કોંગ્રેસ છોટુભાઇ વસાવાના ખભે બંદૂક મૂકી ભાજપનો શિકાર કરવાની ફિરાકમાં હતું. છોટુ વસાવાને કોગ્રેસના મેન્ડેટ પર લડાવવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ છોટુ વસાવાએ કોગ્રેસના મેન્ડેટ પર ચુટંણી લડવાનો ઇનકાર કરતા કોંગ્રેસનો દાવ ઉંધો પડ્યો હતો.

બીટીપી સાથે ગઠબંધન ન થતાં કોગ્રેસ દ્વારા અહેમદ પટેલના નામની વિચારણા ચાલી રહી હતી, પણ અહેમદ પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી દેતા, અંતે શેરખાન પટેલ પર પસંદી ઉતારાઈ હતી. બીજી તરફ, કોગ્રેસના અન્ય કોઇપણ ઉમેદવારને સમર્થન આપવાનો પણ બીટીપીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને બીટીપીએ કોગ્રેસ સાથે ગઠબંધન ન થતા બધી બેઠકો પર લડવાની તૈયારી કરી હતી.હવે ભરુચમાં લોકસભા 2019 ખરાખરીના જંગ જેવું સાબિત થશે. ભરૂચ લોકસભા સતત 9 ટર્મથી ભાજપનો ગઢ રહી છે.


શું છે અહીંની સમસ્યાઓ :
ભરૂચ અને અંકલેશ્વર ઔદ્યોગિક નગરો છે. અહીં સ્થાળંતરણ, શહેરીકરણ અને ઔદ્યોગિક પ્રદુષણ સૌથી મોટી સમસ્યા છે. આ ઉપરાંત, આદિવાસી વિસ્તારો પાયાની વિકાસ સમસ્યાઓ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીથી પીડાઈ રહી છે. કમનસીબે, અહીંના આદિવાસી વિસ્તારના નેતાઓએ પણ તેમની પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે સ્વયંનો વિકાસ જ સાધ્યે રાખ્યો છે. આદિવાસી વિસ્તારોમાં ખેતી, નર્મદા છતાં સિંચાઇના પ્રશ્નો, આદિવાસોનું જમીન અધિગ્રહણ અને વનબંધુ યોજનાના નામે આદિવાસી પ્રજાનું શોષણ થઇ રહ્યું છે, સૌથી વધુ પીડાદાયક છે.

સાંસદનું રિપોર્ટ કાર્ડ :
ભાજપના મનસુખભાઇ વસાવા નિષ્કલંક આદિવાસી નેતા ગણાય છે. સાચું હોય અને જનહિતમાં હોય તો પોતાના જ પક્ષ કે નેતા સામે અવાજ ઉઠાવતા અચકાયા નથી. જાહેરમાં જ કોઈને પણ ખખડાવી દેવાનો તેમનો સ્વભાવ રહ્યો છે, અને તેના જ કારણે તેમના અનેક વીડિયો વાઈરલ થયા છે. તેમના આ જ સ્વભાવને કારણે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારીમાંથી તેમને મુક્ત
કરવામાં આવ્યા હતા. જોકે લોકોમાં પોતાનો ઈમાનદાર છબીનો પ્રભાવ જાળવવામાં તેઓ સફળ થયા છે. છેલ્લી બે ટર્મથી મનસુખ વસાવાને બદલવાની વાતો ચૂંટણી પહેલા શરૂ થાય છે. પરતું પાર્ટી પાસે ભરૂચમાં એવો કોઈ દમદાર ચહેરો નથી એટલે મનસુખ વસાવાને રિપીટ કરવા પડે છે.

મનસુખભાઈની લોકસભામાં 88% હાજરી રહી છે, 88 સવાલો પૂછ્યા છે, 30 જેટલી ચર્ચામાં ભાગ લીધો છે અને એકપણ ખાનગી બિલ રજુ કર્યું નથી

જાતિગત સમીકરણો :
ભરૂચ બેઠક જીતવા માટે આદિવાસી મતદારો નિર્ણાયક ભરૂચ લોકસભા મત વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આદિવાસી અને શહેરી વિસ્તાર બંને સાથે જાડાયેલા છે. આદિવાસી મતદારોનો પ્રભાવ ચૂંટણીના પરિણામો માટે નિર્ણાયક બની રહે છે. ઝઘડિયા અને ડેડિયાપાડા બંને આદિવાસી બેલ્ટની વિધાનસભાઓ છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જનરલ બેઠકો છે.

એટલે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર આદિવાસી બેલ્ટ અને અન્ય વિસ્તારમાં પ્રભાવ ધરાવતો હોય તે જરૂરી છે. બહુધા આદિવાસી વસ્તી સાથે લઘુમતી મતદારો 28 ટકા છે. ભરૂચમાં ભાજપ જીતે છે તેનું કારણ જ્ઞાતિ અ ધર્મનાં સમીકરણો છે. ભરૂચમાં 25 ટકા મુસ્લિમ મતદારો છે અને બાકીના હિંદુ મતદારો છે. આ હિંદુ મતદારોમાં 30 ટકા મતદારો આદિવાસી છે, 12 ટકા પાટીદારો છે, 8 ટકા ક્ષત્રિયો છે, 5 ટકા દલિતો છે. બાકીના 20 ટકા મતદારો અન્ય જ્ઞાતિના છે. આ મતદારો શહેરી વિસ્તારોમાં રહે છે ને મોટા ભાગના બહારથી આવીને વસેલા છે. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં ભરૂચ અને અંકલેશ્વર બે મોટાં શહેરો છે. બંને શહેરો ઔદ્યોગિક રીતે વિકસેલાં છે. આ શહેરોમાં પરપ્રાંતિયો અને ઉત્તર ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં રહે છે. ભાજપનો હાથ ઉપર રહે છે છે તેનું કારણ આ શહેરી વિસ્તારો છે. ભરૂચમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે પણ આ મુસ્લિમો માથાભારે છે તેથી હિંદુ મતો એક થઈ ગયા છે. અંકલેશ્વરમાં બહુમતી પાટીદારો અને બહારથી આવેલા લોકોની છે. આ મતદારો પણ ભાજપ તરફી રહે છે.

કોની વચ્ચે રહેશે જંગ?
આ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ રહેશે। ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ તેમજ આદિવાસી નેતા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના છોટુ વસાવા અહીં લડી રહ્યા છે.

અનુમાન :
ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા ગત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના કીંગમેકર સાબિત થયા હતા. આ વખતે લોકસભામાં પણ તેઓ કિંગમેકર સાબિત થાય તો નવાઈ નહિ. મનસુખ વસાવા ભલે 6 ટર્મથી જીતતા આવ્યા હોય, પણ છોટુ વસાવા તેમના માટે મોટો પડકાર છે. જે સમીકરણો બની રહ્યા છે તે અનુસાર, બીટીપી અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ અને આદિવાસી, મુસ્લિમ મતદારોનું ધ્રુવીભવન ભાજપના મનસુખ વસાવાને ફાયદો પહોંચાડી શકે છે.
First published:

Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, South gujarat lok sabha election 2019