નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે 20 જેટલી 108 એમ્બ્યુલન્સના 80 કર્મચારીઓ 24 કલાક ખડેપગે રહેશે. 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સ્વખર્ચે ગરીબ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી ઉમદા ઉદાહરણ પૂરુ પાડયુ હતુ.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના નાગરિકોને ઈમરજન્સીમાં કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે 20 જેટલી 108 એમ્બ્યુલન્સના 80 કર્મચારીઓ 24 કલાક ખડેપગે રહેશે. 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સ્વખર્ચે ગરીબ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી ઉમદા ઉદાહરણ પૂરુ પાડયુ હતુ.
કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે નાગરિકોમાં દિવાળીના તહેવારની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
ત્યારે 108 ઈમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને ઈમરજન્સીમાં કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે 24 કલાક ખડેપગે રહેશે. કોઈ પણ સમયે ઈમરજન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે.
દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માત, દુર્ઘટના તેમજ અન્ય ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. તેને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાના 108ના કર્મીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. 108ના કર્મચારીઓ પોતે નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તે માટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે. ઉપરી અધિકારી ચેતન ગાધે અને જીલ્લા સુપરવાઇઝર ઈરફાન દિવાનએ જણાવ્યુ હતુ કે દિવાળીના પર્વને લઇ જિલ્લાની 108 સેવાની 19 એમ્બ્યુલન્સમાંથી એક એમ્બ્યુલન્સ વધારી 20 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. તો 80 જેટલા સ્ટાફ કે જેમાં 15 મહિલા કર્મચારીઓ અને 65 પુરુષ કર્મચારીઓ પ્રજાની સેવામાં 24 કલાક કાર્યરત રહેશે.
108 કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. એક એમ્બ્યુલન્સ માટે 2 સ્ટાફ એક પાઇલોટ અને EMT(ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન) સક્રિય રહેશે. તો 108ના કર્મીઓમાં એક પ્રેગ્નેન્ટ મહિલાએ પણ ફરજ પર હાજર રહી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ હતુ.
ભરૂચ જિલ્લાના લોકો પોતાના પરિવારજનો સાથે હર્ષોલ્લાસભેર દિવાળી પર્વની ઉજવણી કરી શકે તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહશે. તો તેઓ પોતાના પરિવારજનો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ જેવા કે વિડિયો કોલ સહીતથી પરિવારજનો સાથે જોડાઈ ઉજવણી કરશે. 108ના કર્મીઓ, પોલીસ અને હોસ્પિટલના કર્મીઓ તહેવાર હોય કે મહામારી પોતાના ઘરેથી દૂર રહી લોકો હર હંમેશ ખડે પગે રહે છે.
તો 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સ્વખર્ચે દિવાળીના ફટાકડા લીધા હતા. અને નિસહાય બાળકોને ફટાકડા આપીને ઉમદા કાર્ય કર્યું હતું. કર્મીઓએ ગરીબ બાળકો સાથે ફટકાડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તેમજ 108 ના ફરજ પરના કર્મચારીઓએ સારી સારી રંગોળી બનાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. અને એકેબીજાને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.