એક એવું સ્થાન જ્યા નર્મદે હર બોલતા જ પાણી પણ બોલી ઉઠે છે
અંકલેશ્વરનાં બલબલા કુંડ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ સતત મા નર્મદા અનુભુતિ થાય છે. અહીં નર્મદે હરના જયઘોષ કરતાની સાથે જ કુંડનું પાણી પણ પરપોટા રૂપે ઉછળી આ જયઘોષમાં પોતાનો સૂર પુરાવે છે.
Aarti Machhi, Bharuch: જેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે. એવી પાવન સલીલા મા નર્મદા તેના ભક્તોને ડગલેને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની એકમાત્ર નદી છે, જેની પરિક્રમા કરાય છે. પરિક્રમાવાસીઓ સતત મા નર્મદા તેઓની સાથે જ છે, તેની અનુભૂતિ કરતા હોય છે. આવી જ અનુભૂતિ કરાવતું એક તીર્થ સ્થાન એટલે અંકલેશ્વનું બલબલા કુંડ. અંકલેશ્વરથી 10 કિલોમીટર દૂર ભરૂડી ગામમાં ભરુડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.
ભરુડેશ્વર મહાદેવ આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે પૂજવામા આવે છે. અંકલેશ્વર એ માંડવ્ય ઋષિ, માર્કંડ ઋષિ, કશ્યપ ઋષિ સહીત અનેક ઋષિ મુનિઓની તપોભૂમિ રહી છે.
મા નર્મદાએ બલબલા સ્વરૂપમાં દર્શન આપ્યાહતા
સપ્ત ઋષિઓના પહેલા ઋષિ એવા કશ્યપઋષિની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી આ શિવમંદિર છે. કશ્યપ ગોત્રની શરૂઆત જ આ સ્થળેથી થઇ હતી. આ સ્થળ એટલે ભરુડેશ્વર મહાદેવ મંદિર ધનવંતરી ક્ષેત્રે કશ્યપ ઋષિનું આશ્રમ આવેલું છે. અંકલેશ્વરના માટીએડ ગામ ખાતે કશ્યપ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી વૈદ્ય- વિદ્યા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સ્થળ સ્થિત વૈદ્યનાથ મહાદેવની સ્થાપના તેઓ દ્વારા કરાઈ હતી.
કશ્યપ આશ્રમ ખાતે ભગવાન શિવના ભરુડેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. કશ્યપ ઋષિએ આશ્રમથી 50 મીટરના અંતરે મા નર્મદા નદીની આરાધના કરી હતી. ઋષિ કશ્યપની તપસ્યાથી પ્રસન્ન થઈ મા નર્મદા રત્નાસાગર સાથે બલબલા રૂપમાં પ્રગટ થયા હતા. માટે જ નર્મદા પરિક્રમાવાસીઓ અહીં બલબલા કુંડના દર્શન અર્થે આવે છે.
તેઓ સ્નાન, તર્પણ સહિત પિંડદાન કરે છે. બલબલા કુંડમાંથી નીકળતા પાણીના પરપોટા આજે પણ લોકો માટે વણ ઉકેલ્યો કોયડો છે. નર્મદે હર બોલવાથી અહીં નર્મદા માતા બુલબુલા સ્વરૂપમાં આશીર્વાદ આપે છે તેવી પુરાણોમાં માન્યતા રહેલી છે.
અહીં રહેવા, જમવા સહિતની નિઃશુલ્ક સેવા
આશ્રમના મહંત રાજ રાજેશ્વર ગીરીજી મહારાજએ જણાવ્યું હતું કે, તેઓ સાતમી પેઢીના પદ પર અહીં બિરાજમાન છે. કશ્યપ ગોત્રની શરૂઆત આ ક્ષેત્રમાં થઇ હતી અને આદિગુરુ શંકરાચાર્ય પ્રેરિત આ સ્થળનું પુરાણોમાં અનેરું મહત્વ રહેલુ છે. ભગવાન ભરુડેશ્વર નીલકંઠ મહાદેવ તરીકે સહ પરિવાર આ સ્થળે બિરાજમાન છે.
નારાયણ બલી, પિંડદાન જેવી વિધિ પણ કરવાનું અહીં મહત્વ છે. સ્કંદ પુરાણના રેવા ખંડમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં રોજ એક હજારથી વધુ નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે. આશ્રમ સ્થિત રહેવા, જમવા સહિતની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે.