Home /News /bharuch /અંકલેશ્વર: પાડોશી નરાધમે બે વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
અંકલેશ્વર: પાડોશી નરાધમે બે વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.
Ankleshwar crime: બે વર્ષની બાળકી તેના પિતાને નોકરી પર જતા સમયે બાય-બાય કહેવા બહાર નીકળી હતી, તે સમયે નજીકમાં રહેતા યુવકે આ બાળકીને પોતાની સાથે રમવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું
અંકલેશ્વર: અંકલેશ્વરમાં અનેક કિસ્સાઓ દુષ્કર્મના સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સામાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. બે વર્ષની બાળકી તેના પિતાને નોકરી પર જતા સમયે બાય બાય કહેવા બહાર નીકળી હતી, તે સમયે નજીકમાં રહેતા યુવકે આ બાળકીને પોતાની સાથે રમવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. આ બનાવ અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાડોશી યુવાને આચર્યું દુષ્કર્મ
અંકલેશ્વરમાં પાડોશી નરાધમે બે વખત બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારતા બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડી પોક્સો એક્ટ સહિતના ગુના હેઠળ તપાસ હાથધરી છે. ગત 30મી નવેમ્બરના રોજ રાતે અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી બે વર્ષીય બાળકી તેના પિતા નોકરી ઉપર જતા હતા તે સમયે તેમને બાય-બાય કહેવા બહાર નીકળી હતી. તે સમયે પાડોશી યુવાન અભિષેક રામબાબુ ચૌધરી બાળકીને ઊંચકીને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ગત 2જી ડિસેમ્બરના રોજ પણ આવી જ રીતે બાળકી તેના પિતાને બાય-બાય કહેવા બહાર નીકળી હતી. તે સમયે ફરી અભિષેક રામબાબુ ચૌધરી તેની સાથે દુષ્કર્મ આચરતા બાળકી રડવા લાગી હતી.
આ દરમિયાન ઘરમાં કપડા ધોતી માતાએ બાળકીના રડવાનો આવાજ સાંભળતા તે દોડી આવી હતી અને નરાધમ પાસેથી બાળકીને ઝુટવી લીધી હતી અને બાળકીને ઈજાઓ જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે બળાત્કાર અંગેનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે 376 અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હવસખોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.