બાણાસુરે 18 વર્ષ સુધી કોટિશ્વર મહાદેવનું તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા
ભરૂચના કડોદ ગામના પાટિયા પાસે આવેલ પૌરાણિક કોટિશ્વર મહાદેવનું મંદિર ભક્તોનું અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહીં બાણાસુરે તપ કરી ભવગાન શિવને પ્રસન્ન કર્યા હતાં. દર અઢાર વર્ષે અધિક – વૈશાખ માસમાં ભાતીગળ મેળો યોજાય છે.
Aarti Machhi, Bharuch: નર્મદા નદી કિનારે અનેક મંદિરો આવેલા છે. મંદિરો પૈકી ભરૂચથી શુક્લતીર્થ ગામની વચ્ચે નર્મદા નદીથી એક કિલો મીટરના અંતરે મુખ્ય માર્ગ ઉપર કડોદ ગામમાં પાટિયા પાસે પૌરાણિક શ્રી કોટીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, બાણાસુરે આ સ્થળે રહીને 18 વર્ષ સુધી ભગવાન શંકરનું તપ કર્યું હતું અને તેઓએ શિવકૃપાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેથી આ સ્થળ કોટીશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. દર અઢાર વર્ષે અધિક-વૈશાખ માસમાં ભાતીગળ મેળો યોજાય છે
ભગવાન કોટિશ્વર (કોટી લિંગેશ્વર) મહાદેવ મંદિર ખાતે દર અઢાર વર્ષે અધિક-વૈશાખ માસમાં ભાતીગળ મેળો યોજાય છે અને આખો મહિનો મેળો ચાલે છે.જેમાં ભારતભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ નર્મદાસ્નાન અને કોટીશ્વરનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નર્મદાતીર પાસે મંદિર આવેલું છે. અલબત્ત, નદીનું વહેણ હવે ધીરે ધીરે દૂર ખસતું જાય છે. મંદિર નજીક ધર્મશાળા છે. જેમાં સો માણસો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બેગડાએ કોટિશ્વર મહાદેવના શિવલીંગ ઉપર હુમલો કર્યો
નર્મદા નદી કિનારે આવેલા ધાર્મિક સ્થળોનું વિધર્મી આક્રમણનો સામનો કરવો પડ્યો હોવાનું માનવામાં આવે છે. બેગડાએ નર્મદા નદીના કિનારે આવેલા કોટિશ્વર મહાદેવ મંદિરના શિવલીંગને તલવાર જેવા હથિયાર વડે હુમલો કરી તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાય છે. દર સોમવાર અને શ્રાવણ માસ સહિત શિવરાત્રીએ વિવિધ કાર્યક્રમોનું આયોજન
કોટિશ્વર મહાદેવ મંદિર ખાતે દર સોમવાર અને શ્રાવણ માસ, મહાશિવરાત્રીમાં હજારો ભક્તો દર્શન માટે આવે છે.જ્યારે મંદિર ખાતે વાર તહેવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પૂર્વ પટ્ટીમાં આવેલા ધાર્મિક સ્થળોના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અને નર્મદા પરિક્રમાવાસીઓ કોટિશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે પણ આવે જ છે. ભરૂચ જિલ્લા અને સુરત જિલ્લામાંથી શિવ ભક્તો કોટિશ્વર મહાદેવ મંદિરે આવે છે. પદયાત્રીઓ સહિત જેઓની મનોકામના પૂર્ણ થાય તેઓ પણ ચાલીને ભગવાન કોટિશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે.