Home /News /bharuch /Bharuch: કૃષિ વૈજ્ઞનિકોએ ખેડૂતોને આ પ્રકારે ખેતી કરવા આપી સલાહ, જાણો શું કહ્યું
Bharuch: કૃષિ વૈજ્ઞનિકોએ ખેડૂતોને આ પ્રકારે ખેતી કરવા આપી સલાહ, જાણો શું કહ્યું
કૃષિ વિભાગે ખેડૂતોને આવી રીતે ખેતી કરવા આપી સલાહ.
ભરૂચ સ્થિત નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કઠોળ સંશોધન કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ શિબિરમાં ખેડૂતોને શાકભાજી તથા કઠોળની વિવિધ જાતો અને તેની વૈજ્ઞાનિક ખેતી અંગે માર્ગદર્શન અપાયુ હતું.
Aarti Machhi, Bharuch: આપણા રોજીંદાં આહારમાં પ્રોટીનની ઉણપનાં લીધે ઘણાં રોગ થતા હોય છે. તેમજ કૃષિની દ્રષ્ટિએ જોઈએ તો અનાજનાં ઉત્પાદનમાં દેશ સ્વનિર્ભર બન્યો છે. પરંતુ કઠોળનું વાવેતર વિસ્તાર મર્યાદિત હોવાથી તથા બિનવૈજ્ઞાનિક પધ્ધતિથી કઠોળ પાકની ખેતી ખેડૂતો કરતા હોવાના કારણે તેની ઉત્પાદકતા ઓછી છે.
ખેડૂતોને માર્ગદર્શન અપાયું
વધતી જતી વસ્તીને પૂરતું કઠોળ મળી રહે તે માટે બીજા દેશોમાંથી કઠોળની આયાત કરવી પડે છે. કઠોળ પાકોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે અને તે અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવાના હેતુથી ભરૂચ સ્થિત નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મકતમપુર અને ભરૂચ કપાસ અને કઠોળ સંશોધન કેન્દ્રના સંયુકત ઉપક્રમે કુલપતિ ડો .ઝેડ.પી.પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિક ખેતી અંગેની વિસ્તૃત જાણકારી અપાઇ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞ સંશોધન નિયામક ડો. ટી.આર. અહવાવત,બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડો. જે. જી. પટેલ, ડો. વી. એ. સોલંકી, ડો.ડી.ડી. પટેલ, ડો.એ. ડી. રાજ દ્વારા કઠોળ પાકોનું પારંપરિક આહારમાં કેટલું મહત્વ છે તેની સમજ આપી હતી.
કઠોળમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ અને કઠોળ પાકોમાં રહેલ પ્રોટીન અને અન્ય જરૂરી વિટામીન વિશે જાણકારી આપી હતી.કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા વિસ્તાર અને પાકને અનુરૂપ તુવેર, ચણા, મગ, વાલ, પાપડી વગેરેની વિવિધ જાતો અને તેની વૈજ્ઞાનિક ખેતી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.