કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અન્ય પ્રવૃત્તિઓમાં ખેત ઉપયોગી જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવા માટે ખેડૂત દિન, ક્ષેત્ર દિવસ, ફિલ્મ શો, કૃષિ વિજ્ઞાન મંડળ, કૃષિ વિષયક સાહિત્ય, ગ્રામસભા, ખેડૂતના ઘર અને ખેતરની મુલાકાત સહિતની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ભરૂચ: જિલ્લામાં એક માત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)એ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) નવી દિલ્હી પુરસ્કૃત અને બાયફ સંસ્થા દ્વારા સંચાલિત યોજના છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના વર્ષ 1994માં ચાસવડ ગામ ખાતે કરવામાં આવી હતી. KVKનો મુખ્ય ઉદ્દેશ ખેતીને લગતું નવીન તકનીકી સંશોધન કૃષિ સંશોધન પ્રયોગશાળાથી ખેડૂતોના ખેતરે ઝડપથી પહોંચાડવાનો છે. જેથી ખેતી તેમજ સંલગ્ન વિભાગોમાં ઉત્પાદનમાં કાયમી વધારો કરી શકાય.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અન્ય પ્રવૃત્તિઓમાં ખેત ઉપયોગી જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવા માટે ખેડૂત દિન, ક્ષેત્ર દિવસ, ફિલ્મ શો, કૃષિ વિજ્ઞાન મંડળ, કૃષિ વિષયક સાહિત્ય, ગ્રામસભા, ખેડૂતના ઘર અને ખેતરની મુલાકાત સહિતની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
ઉત્તમ પ્રકારનું ધરુ મળી રહે તે માટે ફાર્મ ઉપર વાવેતર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ચાસવડ હસ્તક 85 એકરનું ઇન્સ્ટ્રક્શનલ ફાર્મ છે. જેમાં 20 એકર વિસ્તારમાં બાગાયતી પાકો જેવા કે આંબા, ચીકુ, સીતાફળ, જમરૂખ, લીંબુ, પપૈયા તેમજ કાજુના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત KVK ફાર્મ ઉપર ભરૂચ જિલ્લામાં ઉગાડવામાં આવતા ખેતી પાકો તુવેર, સોયાબીન, જુવાર, કપાસ, તલ, ચણા, મગ, અડદ તેમજ લીલા ઘાસચારાના પાકો જેવા કે રજકો, મકાઇ, મલ્ટીકટ જુવાર સહિતનું નિદર્શન કરવામાં આવે છે. ખેડૂતોને શાકભાજીનું ઉત્તમ પ્રકારનું ધરુ મળી રહે તે માટે ફાર્મ ઉપર ગુલાબી રીંગણ, ટામેટા, મરચીનું ધરુનું વાવેતર કરવામાં આવે છે.
ખેડૂતોને ખેતીના વિવિધ પાકો વિશે માર્ગદર્શન
ફાર્મ ઉપર પશુપાલન તેમજ વર્મીકમ્પોસ્ટ નિદર્શન યુનિટ પણ ઉપલબ્ધ છે. દર વર્ષે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પ્રેરણા પ્રવાસ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને તેના ફાર્મની મુલાકાતે આવે છે જયાં તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ખેતીના વિવિધ પાકો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં ખેડૂતો માટે હોસ્ટેલ તથા રહેવા, જમવા સહિતની સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેની ઉપલબ્ધ સુવિધાઓ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત મંડળની સ્થાપના કરવામાં આવે છે, જેથી ખેડૂતોને નવી જાણકારી સતત મળતી રહે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જમીન અને પાણી ચકાસણીની પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવિધાઓમાં તાલીમ કક્ષ વર્ગ રૂમ, એકઝીબીશન રૂમ, ખેડૂત છાત્રાલય, લાઇબ્રેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, ફળ અને શાકભાજી નસૅરી (રીંગણ, ટામેટા, મરચીના ધરૂ તથા આંબા કલમ), નિદર્શન એકમો - જળસ્ત્રાવ વિકાસ મોડલ, અળસીયા તથા કંમ્પોસ્ટ ખાતર મોડલ, ટપક સિંચાઇનો સમાવેશ થાય છે.