અંકલેશ્વરમાં પીડિત મહિલાઓ માટે છેલ્લા ચાર વર્ષથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરમાં મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં 369 કેસ આવ્યા હતાં. જેમાંથી 144 કેસમાં સુખદ સમાધાન થયું છે. મહિલાઓ પર થતા અત્યાચારો સામે મહિલાઓને વિના મૂલયે માર્ગદર્શન આપવામાં આવે છે.
Aarti Machhi, Bharuch: મહિલાઓ સ્વતંત્ર, આત્મનિર્ભર અને સુરક્ષિત રહે તે હેતુથી મહિલાઓને કેન્દ્રમાં રાખીને રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી આવી છે.જે અંતર્ગત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2013થી હિંસાથી પીડિત મહિલાઓને સહાય, માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા ગુજરાત રાજયના નિયત કરેલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને જરૂરીયાત મુજબનું માર્ગદર્શન આપી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જેમાં પ્રત્યેક કેસની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. આવા પ્રકારની સેવાઓ આપતા સમગ્ર રાજયમાં હાલ, કુલ 63 પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સહાયતા કેન્દ્રમાં ચાલે છે, જેના કાઉન્સેલિંગ તરીકે નીભાબહેન વસાવા અને કૃપાબહેન ચૌધરી ફરજ બજાવે છે.
મહિલા સહાયતા કેન્દ્ર નોંધપાત્ર કેસમાં ઘરે પણ વિઝીટ કરે છે
અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પણ મહિલા સહાયતા કેન્દ્ર છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. આ સહાયમાં કાનુની સહાય આપતી સેવાઓ સાથેનું સંકલન કરી કેસની જરૂરીયાત મુજબ કૌટુંબિક સેવાઓ આપતી સહાયક સંસ્થાઓ જેવી કે, તબીબી સેવા, નારી કેન્દ્ર, મનોચિકિત્સા કેન્દ્ર તથા વ્યવસાયલક્ષી સેવાઓની સહાય પણ પુરી પાડી કાયદાની મર્યાદાઓમાં રહીને મહિલાઓને પોતે નિર્ણય લેવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. અપવાદરૂપ કેસમાં મહિલાઓને ફેમિલી કોર્ટમાં જવા માટે કહેવામાં આવે છે. આ સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે. તો અમુક કેસોમાં ઘરે પણ વિઝિટ કરવામાં આવે છે.
2019 થી વર્ષ 2022 સુધીમાં 369 કેસ આવ્યા
મહિલા સહાયતા કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં કુલ 369 કેસ આવ્યા છે. જેમાંથી તેઓએ 114 કેસોમાં સમાધાન કરાવ્યુ છે. જેમાં ઘરેલુ હિંસા, સામાજિક અસમાનતા જેવા સ્થિતિમાં તેઓ તેમની વચ્ચે જઈ નિરાકરણ લાવવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં અરજી લીધેલ કેસની સંખ્યા 314 છે. માત્ર માહિતી માટે 55 કેસ લીધા છે. ઘરેલું હિંસા કુલ 157 કેસ, દારૂ-નશામાં થતી હિંસાના 87 કેસ સામે આવ્યા છે. અન્ય વિભાગને કુલ 84 કેસ રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરનો અભિગમ
મહિલા તરફી,પારિવારિક હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાની જરૂરિયાત અને તેની ઈચ્છાને પ્રધાન્ય.
પીડિત મહિલામાં આત્મસમાન, સ્વયોગ્યતા અને આત્મ વિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ.
ઘરેલું હિંસા અને અન્ય મહિલા અત્યાચારના કિસ્સામાં પોલીસ, દહેજ પ્રતિબંધક અધિકારી અને રક્ષણ સહ અધિકારી તથા સંબંધિત સરકારી એજન્સી અને હિતધારકો સાથે સંકલન.
જે તે કેંસની જરૂરિયાત મુજબ કૌટુંબિક સેવા આપતી સહાયક સંસ્થાઓ જેવી કે તબીબી સેવા, નારી કેન્દ્ર, મનોચિકિત્સા કેન્દ્ર તથા વ્યવસાયલક્ષી સેવાઓની સહાય લેવી.
કાનૂની સહાય આપતી સેવાઓ સાથે સંકલન.
આવશ્યકતા અનુસાર વિશેષ સહાય.
પોલીસતંત્ર, મહિલા અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક રાખવો.
મહિલા અને બાળ સુરક્ષાને લગતા કાયદાઓ વિશે મહિલા અને બાળકોમાં, સામાન્ય જનતામાં અને હિતધારકોમાં જાગૃતિ લાવવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર