ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.
Aarti Machhi, Bharuch: ભરુચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.આજે ગુરૂવારે શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ અર્પણ કર્યા હતા.
ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.અંદાજે 485 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે.
બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલ છે. આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે. તેમાં હિંદુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે. હનુમાન મંદિર અને દરગાહ નજીક ભરાતો કોઠા પાપડીનો મેળો કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
લોકો અહી સુરત, વડોદરા, અમદાવાદથી પોતાની માન્યતા લઈને આવે છે. તો ભીડભંજન હનુમાન દાદાના મંદિરે તેઓની મહેચ્છા પૂર્ણ થતી હોવાની માન્યતા છે. લોકો અહી માનતા રાખીને જાય છે અને તેઓની માનતા પૂર્ણ થયા બાદ અહી ફરી આવી બાધા પૂર્ણ કરે છે. તો અહીં દરેક ધર્મના લોકો આવે છે.દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કોઠા-પાપડીનો મેળો મ્હાલવા માટે આવે છે.
મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ભુલતા નથી.