400 વર્ષ પૂર્વે સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ આરતીની રચના કરી
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરતમાં રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.
Aarti Machhi, Bharuch: હાલ અંકલેશ્વરનું જૂના માંડવા ગામ વર્ષો પૂર્વે મંછાવટી તરીકે ઓળખાતુ હતુ. આજથી 400 વર્ષ પહેલા સુરતના તાપી ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ અહીં માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના કરી હતી.
કોણ છે શિવાનંદ સ્વામી ?
વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈ.સ.1541માં સ્વામી શિવાનંદનો જન્મ થયો હતો. સુરતમાં અંબાજી રોડ પર જન્મેલા શિવાનંદ સ્વામી નાના હતા. દરમિયાન જ પિતાનું નિધન થઇ જતા કાકા સદાશિવ પંડ્યાએ પાલનપોષણ કર્યું હતું.
સ્વામી શિવાનંદના કાકા સદાશિવને 35 વર્ષની વયે કંઇ આવડતું ન હોવાથી લોકોના મહેણાં ટોણા સાંભળીને આખરે કંટાળી નર્મદા તટે રામનાથ ઘેલા મંદિરમાં ભક્તિ કરવાની શરૂઆત કરી હોવાની લોકવાયકા છે.
સદાશિવ ભકિત કરતા હતા, દરમિયાન એક દિવસ એક સંત ત્યાં આવ્યા અને તેઓની ભક્તિથી પ્રસન્ન થઇ વરદાન આપ્યુ હતુ. પરિણામે તેઓએ સંસ્કૃતમાં ગ્રંથો રચ્યા અને અનોખી નામના મેળવી હતી. સદાશિવનું જ્યારે નિધન થવાનું હતું, તે દરમિયાન શૈયા પર તેમના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને બોલાવી પૂછ્યું હતુ કે, તમારે લક્ષ્મી જોઇએ છે કે સરસ્વતી? દરમિયાન તેમના પુત્રોએ લક્ષ્મી માગી હતી.
પરંતુ શિવાનંદે કહ્યું, તમને યોગ્ય લાગે એ આપો. આ સાંભળી પ્રસન્નતા અનુભવી કાકા સદાશિવે ભત્રીજા શિવાનંદને પંચાક્ષરી મંત્રનો ઉપદેશ કર્યો હતો અને રામનાથ ઇષ્ટનું પૂજન કરવાનું કહ્યુ હતુ. શિવાનંદે કાકાની વાત સ્વીકારી ભગવાન શિવની ભકિત તેમજ ભાગવતકથાઓ કરી હતી.
માં જગદંબાની આરતીની રચના ક્યારે થઇ ?
સ્વામી શિવાનંદ એક સમયે ખંભાતમા મા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરી વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા. દરમિયાન ઇસ 1622માં તેઓ સાંજના સમયે નર્મદા નદીના કિનારે દેવી અંબાના મંદિર નજીક ધ્યાનમાં હતા. સૂરજ આથમવાની તૈયારી હતી. માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય એમ દક્ષિણ દિશામા માતાજી પ્રગટ થયા હતા. સ્વામી શિવાનંદે દર્શનથી અભિભૂત થઈને તે વેળાએ નર્મદા નદીના તટે માતાજીની આરતીની રચના કરી હતી.
16મી પંકિતમાં નર્મદા કિનારાનો ઉલ્લેખ
આદ્યા શક્તિ માતાજીની આરતીના 16મી પંક્તિમાં નર્મદા નદી કિનારાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સંવત સોળે પ્રગટ્યા રેવાને તીરે, આ પંકિતમાં માતાજી રેવાના કિનારે પ્રગટયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવાનંદ પંડયાએ 'સ્વામી શિવાનંદ' તરીકે ખ્યાતિ મેળવી છે. આશરે 400 કરતા પણ વધુ વર્ષો પહેલા તેઓએ આ આરતીની રચના કરી હતી.
માનતા પૂર્ણ થતી હોવાની માન્યતા
ભરૂચમાં ઓસારા માતાજીનું મંદિર જે માત્ર મંગળવારના દિવસે જ ખુલ્લુ રહે છે. તેમ આ મંદિર માત્ર રવિવારના દિવસે જ ખુલ્લુ રહે છે. કહેવાય છે કે, રવિવારે માતાજીનો પસંદગીનો વાર હોવાથી માત્ર આ દિવસે જ મંદિર ખુલ્લુ રહે છે. આ મંદિરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર, મહાદેવનું મંદિર આવેલ છે. અહીં લોકોની બાધાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે. લોકો મંદિર ખાતે દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. લોકો પુત્ર પ્રાપ્તિ, રોગ દૂર થવા સહિતની માનતાઓ રાખે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો મંદિર સ્થિત પોતાની ઈચ્છા પ્રમાણે ચાંદી ચઢાવે છે તો કોઈ પૈંડાનો પ્રસાદ ધરાવે છે.