Home /News /banaskantha /રાજ્યના અનેક ગામ માટે પ્રેરણારૂપ બન્યું બનાસકાંઠાનું વેડંચા ગામ; આ એક કામથી દર મહિને કરે છે રૂ. 45,000ની આવક
રાજ્યના અનેક ગામ માટે પ્રેરણારૂપ બન્યું બનાસકાંઠાનું વેડંચા ગામ; આ એક કામથી દર મહિને કરે છે રૂ. 45,000ની આવક
વેડંચા ગામ
Vedancha village: વેડંચા ગામના સરપંચ બેચરભાઈ ભાટિયાએ જણાવ્યું કે, પ્લાન્ટ સ્થાપિત થવાથી અમારું ગામ સ્વચ્છ અને સુંદર બન્યું છે, તેમજ માસિક આવક પ્રાપ્ત થવાથી ગામ આત્મનિર્ભર પણ બન્યું છે.
ગાંધીનગર: સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (Swachh Bharat Mission -Gramin) હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા (Palanpur Takula)ના વેડંચા ગામે (Vedancha village) પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને ગ્રે વોટર ટ્રીટમેન્ટની સુંદર કામગીરી કરીને 4,500ની જનસંખ્યા ધરાવતું આ ગામ રાજ્યના અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. વેડંચા ગામના 30 ટકા પરિવારો દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતું બે લાખ લિટર પાણી ગામના તળાવમાં વહી જતું હતું. જેનાથી રોગચાળો ફાટી નીકળતો હતો. આ પાણીનો નિકાલ કરવાની તાતી જરૂરિયાત હતી. પરિણામે ગામના નાગરિકોની જાગૃતિ, હકારાત્મક અભિગમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયથી ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Grey water treatment plant)ની શરૂઆત કરવામાં આવી છે. ગ્રે-વોટરની ટ્રીટમેન્ટ કરી પાણીને ખેતી માટે વપરાશ લાયક બનાવવામાં આવી રહ્યું છે તેમજ ભૂગર્ભજળ રિચાર્જ (Groundwater recharge) કરવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે.
પાંચ લાખ રૂપિયાના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની માર્ગદર્શિકા મુજબ ડીવોટર્સ અને વેસ્ટ સ્ટેબિલાઈઝેશન પોન્ડ પ્લાન્ટનું મિશ્ર સ્વરૂપ છે. પ્લાન્ટમાં સરળ અને સસ્તી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની મદદથી 25 દિવસમાં અંદાજિત 5.5 થી 6 ટન જેટલું સેન્દ્રિય ખાતર ઉત્પન્ન થાય છે.
સહકારી મંડળી તરફથી વેચાણ
ગામની સહકારી મંડળી તરફથી આ ખાતરનું પેકિંગ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. દરેક બેગમાં 30 કિલોગ્રામ ખાતર ભરી રૂ.200ની કિંમતે વેચાણ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને પ્રતિ માસ રૂ.40,000થી 45,000 જેટલી આવક થાય છે, પરિણામે ગ્રામ પંચાયત આત્મનિર્ભર બની છે. પ્લાન્ટ શરૂ થવાને કારણે ગામના લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે.
આ ઉપરાંત, ગામના 18 જેટલા પરિવારોએ રસોઈઘર અને બાથરૂમના પાણીનો નિકાલ કરવા માટે પોતાના શોફપિટનું નિર્માણ કર્યું છે. ગામમાં વિવિધ જગ્યાએ શોફપિટ બનાવવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 5,000 સુધીની વસ્તી ધરાવતા ગામ માટે ગ્રામ પંચાયતને પ્રતિ વ્યક્તિ રૂ. 280 અને 5,000થી વધુ વસ્તી ધરાવતા ગામ માટે પ્રતિ વ્યક્તિ રૂ. 660ની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
ગામ આત્મનિર્ભર બન્યુંઃ સરપંચ
બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખે જણાવ્યું કે, વંડેચા ગામમાં નિર્મિત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની વિશેષતા એ છે કે, આ મોડલ સરળ ટેક્નોલોજી પર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે. વેડંચા ગામના સરપંચ બેચરભાઈ ભાટિયાએ જણાવ્યું કે, પ્લાન્ટ સ્થાપિત થવાથી અમારું ગામ સ્વચ્છ અને સુંદર બન્યું છે, તેમજ માસિક આવક પ્રાપ્ત થવાથી ગામ આત્મનિર્ભર પણ બન્યું છે.