Agriculture Tips: બનાસકાંઠા જિલ્લાનાં દાંતીવાડાનાં ધાનેરીનાં બે યુવાનોએ પાણીની સમસ્યાનો હલ શોધી લીધો છે. બન્ને યુવાને ખેત તલાવડી બનાવી શિયાળુ અને ઉનાળુ પાક લઇ રહ્યાં છે. પહેલા માત્ર ચોમાસું પાક જ થતો હતો.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે અનેક ગામોમાં સિંચાઈ માટે તેમજ પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય છે. ત્યારે દાંતીવાડાનાં ધાનેરી ગામમાં ચોમાસામાં વરસાદ આધારિત ખેતી થતી હતી. પરંતુ આ ગામના બે શિક્ષિત યુવાનોએ વરસાદનું પાણી ખેત તલાવડીમાં સંગ્રહ કરી સૌપ્રથમ વખત શિયાળામાં અને ઉનાળામાં સફળ ખેતીની શરૂઆત કરી છે. અત્યારે પોતાના ખેતરમાં આધુનિક પદ્ધતિથી અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.
પાણીનાં તળ 1100 ફૂટ ઉંડા જતા રહ્યાં
બનાસકાંઠા જિલ્લોએ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો જિલ્લો છે.આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. જમીનના તળ 1100 થી 1200 ફૂટ જવાના કારણે સૌથી વધુ ટીડીએસ ધરાવતું પાણી હોવાના કારણે ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી. ત્યારે જિલ્લાના ધાનેરી ગામના બે શિક્ષિત યુવાનોએ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રસ્તો શોધી કાઢ્યો છે.
દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે વર્ષોથી ગામના ખેડૂતો ચોમાસામાં વરસાદ આધારિત ખેતી કરતા હતા. ગામના ખેડૂત નરસિંહભાઈ મોતીભાઈ ચૌધરી (ઉ.વ. 53 ) તેમને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.તેમને 14 વીઘા જમીન છે. ખેડૂતે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 73 જેટલા કુલ પાણીના બોર કરાવ્યાં છે. છતાં પણ પાણીનું નિરાકરણ આવ્યું નથી. બાદ ગામના યુવાન વિનોદભાઈ હાથીભાઈ ચૌધરી (ઉં.વ. 27) તેમને બી.સી. એ સુધી અભ્યાસ કર્યો છે.અનેક વાર નોકરી માટે મહેનત કરી પરંતુ કોઈ સિલેક્શન ન થયું. બાદ વિનોદભાઈ ચૌધરી અને નરશીભાઈના પુત્ર ધીરજભાઈ ચૌધરીએ ખેતરમાં ખેત તલાવડી બનાવાનું નક્કી કર્યું અને પોતાના ખેતરમાં 45 લાખ લીટર અને 50 લાખ લીટરની ક્ષમતા વાળી ખેત તલાવડી બનાવી.
વરસાદ આધારિત ખેતી થતી અત્યારે શિયાળામાં અને ઉનાળામાં ખેતી શરૂ કરાઇ
ધાનેરી ગામના ખેડૂતો વરસાદના આધારીત જ ખેતી કરતા હતાં. પરંતુ ગામના 2 યુવાન ખેડૂતે વરસાદનું પાણી સંગ્રહ કરી ખેત તલાવડી બનાવી છે. કારણકે આ ગામમાં જમીનના તળ 1200 ફૂટ જેટલા ઊંડા જતા 1500 થી 2000 સુધીનું ટીડીએસ ધરાવતું પાણી હોવાથી ખેતી તેમજ પીવા માટે ઉપયોગ થતું નથી.જેથી આ ગામના 2 યુવાને પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવ્યો છે. હવે શિયાળા અને ઉનાળામાં પણ ખેતી કરી રહ્યાં છે.
ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી આધુનિક ખેતી
ગામના 2 યુવાન ખેડૂત વિનોદભાઈ ચૌધરી અને ધીરજભાઈ ચૌધરીએ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી પોતાના ખેતરમાં ઓફસીઝનલ ખેતી કરી છે.જેમાં તેમણે તરબૂચ, મરચા, શક્કર ટેટી, મરચાની ક્રોપ કવર આધારીત ખેતી કરી છે.આ 2 ખેડૂતે રાસાયણિક ખેતી છોડી દેશી ગાય આધારીક પ્રાકૃતિક ખેતી કરે છે.આગામી સમયમાં બજાર ભાવ સારા મળશે તેવું જણાવ્યું છે.
અન્ય ખેડૂતો માટે પ્રેણા રૂપ
ધાનેરી ગામના 2 યુવાન ખેડૂતે પોતાના ગામમાં વર્ષોથી પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવી રસ્તો શોધી કાઢયો છે.જેથી અન્ય ખેડૂતો પણ જો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી દેશી ગાય આધારીત ખેતી કરી સારૂ એવું ઉત્પાદન અને સારી આવક લઇ શકે છે.