Home /News /banaskantha /પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ, આ સમાજે સાચવી રાખી પરંપરા
પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ, આ સમાજે સાચવી રાખી પરંપરા
સંસ્કૃતિને બચાવવા પ્રયાસ
Ancient and Traditional Culture: ગુજરાતમાં નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતના ડીસામાં સ્થાઈ થયેલા મારવાડી માળી સમાજે આજે ધુળેટી પર્વના દિવસે હજારોની સંખ્યામાં એકત્રિત થઈને ઘેર અને લુર નૃત્ય કરી પોતાની અનોખી પરંપરાને જાળવી રાખી છે.
કિશોર તુવર, બનાસકાંઠા: ગુજરાતમાં નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતના ડીસામાં સ્થાઈ થયેલા મારવાડી માળી સમાજે આજે ધુળેટી પર્વના દિવસે હજારોની સંખ્યામાં એકત્રિત થઈને ઘેર અને લુર નૃત્ય કરી પોતાની અનોખી પરંપરાને જાળવી રાખી છે. આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ફાગ ગાઈ ઘેર નૃત્ય રમી ધુળેટીની પોતાના સમાજના લોકો સાથે ઉજવણી કરી હતી.
લોકો ડંડા લઇ ઘેર નૃત્ય રમતા દેખાયા
પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો, આ કોઈ નવરાત્રીમાં ચાલતામાં અંબાના ગરબા નથી. પરંતુ બનાસકાંઠાના ડીસામાં ધુળેટીના પર્વની થતી પ્રાચીન પરંપરાનો એક હિસ્સો છે. રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે. હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે. જયારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી.
બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા કેટલાય વરસોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા દર વરસે ધૂળેટીની સમી સાંજે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે, ત્યારે આજે ડીસાની માળી વિધાસંકુલ ખાતે મોટી સંખ્યામાં મારવાડી માળી સમાજના લોકો એકઠા થયા હતા અને પોતાના પરંપરાગત મારવાડી વસ્ત્રો પહેરીને પુરુષો હાથમાં ડંડા લઈને ઘેર નૃત્ય રમ્યા, મહિલાઓએ પણ લુર નૃત્ય કરીને ધુળેટી મનાવી હતી તો ડીસાના માળી સમાજના આગેવાન અને ડીસાના ધારાસભ્ય પણ પોતાના સમાજના મારવાડી વડીલો સાથે ફાગ ગાઈને હાથમાં દંડા લઈને ઘેર નૃત્ય રમ્યા હતા અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખી હતી.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલ મારવાડી માળી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચુક્યા છે. હાલમાં ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના 50 હજાર જેટલા લોકો વસે છે. બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા કેટલાય વરસોથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો જલસો રાખતા હોય છે. જેમાં મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઇ બે ભાગમાં વહેચાઈ એક બીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય છે. જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે. મહિલાઓ પણ આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતા વધતી હોવાનું કબુલે છે.