Nilesh Rana, Banaskantha: શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. અને ગુજરાતના ત્રણ સેન્ટરો પર વધુ પ્રમાણમાં ઠંડી પડતી હોય છે જેમાં કચ્છના નલિયા તેમજ બનાસકાંઠાના ડીસામાં અને સાબરકાંઠાના ઇડરમાં વધુ પડતી ઠંડી પડતી હોય છે. ડીસામાં શિયાળાની ઋતુમાં સૌથી વધુ ઠંડી પડે છે. પણ સૌથી વધુ ઠંડી પડવા છતા અહીના લોકોને કેવી રીતે રહે છે. એવી કઈ કઈ વસ્તુઓનું સેવન કરે છે. કેમ આ લોકોને આ કડકડતી ઠંડી નડતી નથી.આ તમામ સવાલોના જવાબ મેળવવા એક નાનો પ્રયાસ કરાયો છે.
ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા અને બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અને સાબરકાંઠાના ઇડરમાં નોંધાય છે. ઠંડીની ઋતુમાં નલિયા અને ડીસા વચ્ચે જાણે હરીફાઈ હોય તેમ અહીં તાપમાન નીચું જતું હોય છે. ડીસામાં હવામાન કચેરીના રેકર્ડ મુજબ છ ડિગ્રી સુધી તાપમાન નોંધાયેલું છે. વધુ પડતી ઠંડી થી બચવા માટે ડીસાના લોકો ગરમ વસ્ત્રો, ઔષધીય ઉકાળા, તેમજ તાપણાનો સહારો લે છે.ડીસામાં ઠંડી ભૌગોલિક પરિસ્થિતિના કારણે ઠંડી અને ગરમી બંને વધુ પ્રમાણમાં પડે છે.જેના કારણે ડીસામાં વધુ ઠંડી પડવાના કારણે રવિ સિઝનમાં ખેડૂતો તેમજ ગરમ વસ્ત્ર બજારના વેપારીઓ પણ ખુશહાલ રહે છે.હાલમાં ઠંડીપુર જોશમાં શરૂ થઈ જતા ડીસામાં ગરમ વસ્ત્ર બજારમાં તેજી આવી છે.
શહેરમાં તિબેટ થી આવેલા રેફ્યુજી લોકોએ ગરમ વસ્ત્રના સ્ટોલ લગાવયા છે તો પાટણ હાઈવે પર પણ મોટા પ્રમાણમાં બહારથી વેપારીઓએ આવી ગરમ વસ્ત્રનું વેચાણ શરૂ કર્યું છે .જેમ જેમ ઠંડી વધુ પડશે તેમ તેમ આ બજારોમાં ભીડ જોવા મળશે. શિયાળો આવે એટલે લોકોને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા થતી હોય છે. દિવસે લોકો હેલ્થ કોન્સિયન્સ બનતા જાય છે જેથી શિયાળામાં યુવાનો જીમમાં, વડીલો વોકિંગમાં તેમજ અનેક લોકો વહેલી સવારે ઊઠી મોર્નિંગ વોકમાં નીકળી ડીસાના એરપોર્ટ મેદાન, સ્પોર્ટ ક્લબ, ટીસીડી ગ્રાઉન્ડ, ઓવરબ્રિજ તેમજ બનાસ નદીના પટ બાજુ વોકિંગ તેમજ કસરત કરતા જોવા મળે છે.
સાથે સાથે આવા વોકિંગ સ્પોર્ટ પર શિયાળાની સિઝનમાં હંગામી જ્યુસના સ્ટોલ લાગી જાય છે. જેમાં વિવિધ જાતના આયુર્વેદિક ઉકાળાઓ, ટોમેટો જ્યુસ,ગાજર જ્યુસ, બીટનો જ્યુસ વગેરેનો પણ લોકો ખૂબ લાભ લે છે. આ સિવાય શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા સાલમપાક, આદુ પાક,અડદિયા, કચરિયું, સૂંઠ અને ગુંદ પાક જેવા વસાણા પણ ખૂબ જ પ્રમાણમાં વેચાય છે અને લોકો ઠંડીથી રક્ષણ કરવા આવા વસાણા નો વધુ આહાર કરે છે.ઠંડીના કારણે ડીસામાં ખેતીની સીઝ ન પણ ખૂબ જ જામે છે જેમાં વધુ ઠંડી પડે તો બટાકાને ખૂબ જ ફાયદો થાય છે જેથી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ડીસાની ઠંડી ખેતી પાકો માટે પણ ખૂબ જ લાભદાયી રહે છે.