આ શિક્ષકને અનોખું શિક્ષણ આપવા અનેક એવોર્ડથી સન્માનિત કરાયા.
બનાસકાંઠાનાં કાંકરેજ તાલુકામાં શ્રી હરિનગર પ્રથામિક શાળાનાં મુખ્ય શિક્ષક નિલમભાઇ ચમનભાઇ પટેલ અનોખી રીતે બાળકોને ભણાવી રહ્યાં છે. પોતાનાં કપડાંને જ જાણે બોર્ડ બનાવી નાખ્યો છે. કપડાંમાં મુળાઅક્ષર સહિતનાં વિષય પેન્ટ કરાવ્યાં છે.
Nilesh Rana Banaskantha: બનાસકાંઠાની એક પ્રાથમિક શાળાના એક શિક્ષકે ખરા અર્થમાં ગુરુપણુ સાર્થક કરી બતાવ્યું છે. કોરોના મહામારીમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ થતા તેઓ અનોખી રીતે શેરી શિક્ષણ આપી વિદ્યાર્થીઓને શબ્દો અને ગણિતના દાખલા સરળતાથી યાદ રહી જાય.તે માટે શિક્ષકે પોતાના કપડાંને જ બોર્ડ બનાવી શિક્ષણ આપી રહ્યા હતા.અત્યારે પણ આ શિક્ષક શાળાના બાળકોને અનોખું શિક્ષણ આપી રહ્યા છે. આ કાર્યપદ્ધતિને લઈ આ શિક્ષકને અનેક એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલ શ્રી હરિનગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નિલમ ભાઈ ચમનભાઈ પટેલ તેમનું મૂળ વતન પાટણ જિલ્લાના બાલીસણા ગામ છે.
છેલ્લા 16 વર્ષથી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની શ્રી હરિ નગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગામના લોકો ખેત મજૂરી, પશુપાલન અને કોલસા પાડવાના વ્યવસાય જોડાયેલા છે.
તેમજ બાળકોમાં શિક્ષણનો પણ અભાવ છે. નિલમભાઇ છેલ્લા 16 વર્ષથી ગામના લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય શાળામાં બાળકોની સંખ્યા કરતા બાળકો શાળામાં ઓછા આવતા હોય છે.
પરંતુ આ શાળામાં સંખ્યા કરતા વધુ બાળકો શિક્ષણ લેવા આવે છે. અત્યારે આ શાળામાં 70 થી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
કપડાં જુદાજુદા વિષયને આવરી લઇ બનાવ્યાં
કોરોના સમયમાં જ્યારે લોકડાઉન થયું, ત્યારે શાળામાં શિક્ષણ કાર્ય બંધ થઈ ગયું હતું.પરંતુ ત્યારે સરકાર દ્વારા બાળકોને શિક્ષણ મળી રહે અને બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરાઈ.
સામાન્ય લોકો પાસે મોંઘા ફોનના પૈસા ન હતા.તેમજ આ વિસ્તારમાં નેટવર્કની પણ સમસ્યા હતી. ત્યારે નીલમભાઈ પટેલ શેરી શિક્ષણ ચાલુ કર્યું.
પરંતુ નીલમભાઈ પટેલ જ્યારે બાળકોને ભણાવવા જતા ત્યાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે શિક્ષકે પોતાના પહેરેલા કપડાં પર અઘરા પડતા મૂળાક્ષરો તેમજ જોડાક્ષર, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, ઇંગ્લીશ શબ્દ, જિલ્લાની માહિતી, ગુજરાત રાજ્યની માહિતી વાળા વિષય પ્રમાણે જબ્બા બનાવ્યા અને શેરી શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
આ શેરી શિક્ષણના કારણે આ વિસ્તારમાંથી બાળકોની સંખ્યાનો વધારો થવા લાગ્યો અને બાળકો પણ સારી રીતે અને સરળ શીખવા લાગ્યા. શિક્ષણમાં પણ સારું પરિણામ મળવા લાગ્યું.
નાનું કિચન ગાર્ડન બનાવવામાં આવ્યું
હરીનગર પ્રાથમિક શાળાના શિક્ષક નીલમભાઈ પટેલ શિક્ષણની સાથે પક્ષીઓ તેમજ પર્યાવરણની ચિંતા કરી. પોતાની શાળામાં પક્ષીઓ માટે અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે માળાઓ બનાવ્યા છે.
તેમજ ઇકો ક્લબ માટે એક નાનું કિચન ગાર્ડન પણ બનાવવામાં આવ્યું. જેમાં સરગવાના છોડ પણ વાવવામાં આવ્યા છે. તેમજ આ સરગવાના છોડ શાળામાં ભણતા બાળકોને પણ આપવામાં આવ્યા છે. બાળકોએ પોતાના ઘરે સરગવાના છોડ વાવી સરગવા પરથી આવતી શીંગનો ઉપયોગ કરી રહ્યા છે.
દિવાલ ઉપર વિવિધ પ્રવૃતિઓ પેન્ટ કરાવી
હરીનગર પ્રાથમિક શાળાના શિક્ષક નીલમભાઈ પટેલે શાળાની દીવાલો પર પણ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બાળકોના અભ્યાસક્રમ પેન્ટ કર્યા છે. જેથી બાળકો રીસેસ દરમિયાન પણ તે એકબીજા સાથે શિક્ષણ મેળવી શકે છે. આ શિક્ષક નીલમ પટેલની પ્રેરણાથી આરોગ્ય વિભાગ દ્વારા પણ વ્યસન મુક્તિ સહિતના અનેક કાર્યક્રમો માટેના ઝબ્બા તૈયાર કર્યા છે.
બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો
તેલંગણામાં પણ તેમની ભાષામાં એક શિક્ષકે જબ્બો તૈયાર કરી શિક્ષણ આપી રહ્યા છે. તેમના આ કાર્યને લઈને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ, પોરબંદરમાં ગુરુગૌવર એવોર્ડ સહિતના અનેક પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.અત્યારે પણ આ શિક્ષક પોતાની શાળામાં વિવિધ વિષયોના ઝબ્બા પહેરી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.