બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 4 શિક્ષકોએ શિક્ષણ તર્પણનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે, જેમાં બાળકોને શિક્ષણ આપી શાળાના પગથીયા ચઢાવવા માટેનો એક અભિયાન શરૂ કરાયું છે.અત્યાર સુધી 10 થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચાર શિક્ષકોએ શિક્ષણ તર્પણનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે. જેમાં બાળકોને શિક્ષણ આપી શાળાના પગથીયા ચઢાવવા માટેનો એક અભિયાન શરૂ કરાયું છે. પાલનપુરના વિચરતી વિમુક્ત જ્ઞાતિના બાળકોને ચાર શિક્ષકો દ્વારા તેમને શિક્ષણ અને શિક્ષણને લગતી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ આપી રહ્યા છે.
આ બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધી 10 થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો છે અને અત્યારે આ બાળકો રેગ્યુલર શાળાએ ભણવા જઈ રહ્યા છે.આ ચાર શિક્ષકો પ્રયત્નોથી બાળકોના માતા-પિતામાં પણ ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં વિચરતી વિમુક્તિ જ્ઞાતિના લોકો અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે. આ જ્ઞાતિના લોકોને કોઈ જગ્યાએ સ્થાઈ હોતા નથી.જેના કારણે તેમના બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી.સમાજના લોકોમાં જાગૃતિ ન હોવાના કારણે પોતાના બાળકો પર તેઓ પૂરતું ધ્યાન આપતા નથી. જેના કારણે બાળકો શિક્ષણમાં પાછળ રહી જાય છે અને સમાજમાં તેઓ સ્થાઈ થઈ શકતા નથી.તેઓ પણ પછી મજૂરી કામ કરવા મજબુર બને છે.
શિક્ષણ તર્પણ એટલે બાળકોને શિક્ષણ આપી શાળાએ પહોંચાડવા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચાર શિક્ષકોએ શિક્ષણ તર્પણ એટલે કે, બાળકોને શિક્ષણ આપી શાળાના પગથીયાએ ચઢાવવાનો એક કોન્સેપ્ટ શરૂ કરાયો છે.પાલનપુરના શિક્ષક ડો.અરુણાબેન રાષ્ટ્રપાલે જણાવ્યું હતું કે,તેઓને લોકો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો હતો.
બાદ તેઓએ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું વિચાર્યું હતું અને પાલનપુરમાં રહેતી વિચરતી વિમુક્તિ જ્ઞાતિના બાળકો જેઓ કચરો વીણી, ભીખ માંગતા હતા. તેવા બાળકોના વાલીઓને મળી તેમના બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.બાદ બાળકો શિક્ષણ મેળવવા તૈયાર થઈ જતા આજે તેઓ શિક્ષણ મેળવી રહ્યા છે.
10 બાળકોને શાળામાં એડમિશન પણ મળી ગયું
પાલનપુરના ચાર શિક્ષકો, કિરણભાઈ વાગડોદા, રીંકલબેન, સતિષભાઈએ મળી હાલ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા વિચરતી વિમુક્તિ જ્ઞાતિના બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.આ શિક્ષકો શિક્ષણ તર્પણ કોન્સેપ શરૂ કરી શિક્ષણ આપી રહ્યા છે. તેઓ એ જણાવ્યું હતું કે,આ પહેલ બાદ ગરીબ બાળકોમાં હવે શિક્ષણ મેળવવા માટે તેઓમાં ઊર્જા જોવા મળી રહી છે.તમામ બાળકો વાંચતા, લખતા અને બોલતા થયા છે. જેમાંથી 10 બાળકોને શાળામાં એડમિશન પણ મળી ગયું છે.અને હવે આ બાળકો રોજ શાળાએ જઈ શિક્ષણ મેળવી રહ્યા છે.
તેઓના પરીવારમાં કોઈ શાળાએ નથી ગયું
બાળકોના માતા પિતાને આ અંગે પૂછતા તેઓની આંખો નમ થઈ ગઈ હતી. તેઓએ જાણાવ્યું હતું કે, આજ દિન સુધી તેઓના પરીવારમાં કોઈ શાળાએ નથી ગયું,પણ આ ચાર શિક્ષકોના કારણે અમારા બાળકો શાળાએ જવા લાગ્યા છે.હવે તેઓને વાંચતા અને લખતા જોઈ અમને ખુબ જ આનંદ થાય છે. ત્યારે આ ચાર શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા આ કાર્યને બીરદાવાનું મન થાય છે.અને ભવિષ્યમાં વધુ ને વધુ બાળકો જોડાય અને તેઓનું ભવિષ્ય ઉજળુ થાય તેવી પ્રાથના કરી રહ્યા છીએ.