મહારાષ્ટ્રમાંથી દાડમના 6 હજાર છોડ લાવી શરૂઆત કરી
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદ તેમજ ભારત -પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતો આવ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અલગ અલગ અને અવનવી પદ્ધતિથી ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં આવેલ સરકારી ગોળીયા ગામમાં રહેતા ગેનાભાઈ દરગાભાઈ પટેલ દિવ્યાંગ ખેડૂત છે.તેમની ઉંમર 58 વર્ષ છે. તેમને માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ગેનાભાઈ પટેલનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
ગેનાભાઈ પટેલ શરૂઆતમાં જિલ્લા ચાલુ ખેતી કરતા હતા પરંતુ દિવ્યાંગ હોવાથી તે અન્ય ખેડૂતની જેમ ખેતરમાં કામ કરી શકે તેમ ન હતા. તેમણે બાગાય તી ખેતી કરવાનો વિચાર કર્યો. વર્ષ 2004-2005માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ અને ગેનાભાઈ પટેલને દાડમની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.
બાદ મહારાષ્ટ્રમાંથી દાડમના 6 હજાર છોડ લાવી પોતાના ખેતરમાં વાવણી કરી સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં દાડમની ખેતીમાં અનેક મુશ્કેલીઓ આવી હતી.
ચોથા વર્ષે 32 લાખની આવક થઇ
ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શનથી ગેનાભાઇ પટેલે પ્રાકૃતિક દાડમની ખેતીમાં ધીમે ધીમે વધારો કર્યો.દાડમની ખેતી 10 વર્ષ ચાલે પરંતુ જો પ્રાકૃતિક ખેતી કરીએ તો 14 થી 15 વર્ષ ચાલે છે. શરૂઆતમાં ગેનાભાઈએ 4 હેક્ટરથી શરૂઆત કરી હતી.
જેમાં અંદાજિત 4 લાખનો ખર્ચ થયો હતો.વાવેલા દાડમની ખેતીમાં ત્રીજા વર્ષે દાડમની આવક શરૂ થઈ.જેમાંથી રૂપિયા 5 લાખની આવક થવા લાગી હતી. બાદ ચોથા વર્ષે 32 લાખની આવક થઇ હતી. આ દાડમની ખેતી જોવા માટે આજુબાજુના ખેડૂતો પણ ગેનાજી પટેલના ખેતરની મુલાકાત લેવા લાગ્યા છે.
80,000 લોકોએ ખેડૂતની મુલાકાત લીધી
સાબરકાંઠા, કચ્છ, જૂનાગઢ,સુરત, પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ રાજસ્થાનના સહિત 80,000 થી વધુ ખેડૂતો ગેનાજી પટેલના મુલાકાતે આવ્યા છે.બાદ તેમની પ્રેરણા લઈ લાખણી પંથકમાં દાડમની શરૂઆત થઈ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં તેમજ રાજસ્થાનમાં ખેડૂતોએ દાડમની ખેતીની શરૂઆત કરી રહ્યા છે. સૌપ્રથમ વાર બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે કરેલી દાડમની ખેતી હવે સમગ્ર દેશમાં વખણાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લો દૂધ સાથે બટાકામાં સમગ્ર દેશમાં મોખરે હતો. બાદ હવે દાડમની ખેતીમાં સમગ્ર દેશમાં લાખણી તાલુકો વખણાઈ રહ્યો છે.
2017માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતી કરી નવી ક્રાંતિ સર્જી છે. ગેનાભાઇ પટેલને અત્યાર સુધી અનેક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ લેવલના 60 એવોર્ડ,નેશનલ લેવલના 10 એવોર્ડ,ઇન્ટરનેશનલ લેવલના 2 અને 2017માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
19 જુલાઈ 2019 ના રોજ યુનાઈટેડ કિંગડમ હાઉસ ઓફ કોમર્સ, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન ખાતે આયોજીત એવોર્ડ માટે પદ્મશ્રી ગેનાજીની પસંદગી કરવામાં આવી હતી. ઈઝરાયલે પણ તેમને એવોર્ડ આપી સન્માનિત કરેલ છે.દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલ અપંગ હોવા છતાં તેઓ જાતે ટ્રેક્ટર અને કાર ચલાવે છે. તેઓ એવું માને છે કે ધારો તો બધું જ કામ થઈ શકે.
ગેનાભાઈ દાડમ દાદા તરીકે ઓળખાય
15 વર્ષમાં ગેનાભાઈની પ્રેરણાથી ગુજરાત અને રાજસ્થાનમાં 50 હજાર ખેડૂતોને 40 હજાર હેક્ટરમાં 4 કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાની પ્રેરણા તેમણે આપી છે. તેથી તેમને દાડમ દાદા તરીકે લોકો ઓળખવા લાગ્યા છે.ગોળિયા ગામ આજે દાડમના ગામ તરીકે રાજ્યભરમાં જાણીતુ થયું છે. ગામ વેરાન પ્રદેશમાં આવેલું છે. પાણીની મોટી તકલીફ છે. પરંતુ ગામમાં 1500 વીઘા જમીન અને 150 ખેડૂતો છે.
તમામ દાડમ વાવે છે અને હેક્ટરે 20 થી 22 ટન દાડમ પેદા કરે છે.રાજ્યમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં બીજા નંબર પર બનાસકાંઠા જિલ્લો છે. 6,800 હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 1.08 લાખ ટનથી 1.12 લાખ ટન થાય છે.લાખણી તાલુકામાં 5000 હેક્ટરમાં દાડમ ઉગાડવામાં આવ્યા છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં દાડમના બગીચામાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. કોઈ કૃષિ વિશ્વ વિદ્યાલય ન કરી શકે એવું કામ ગેનાભાઈએ કર્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha, Farmers News, Local 18