મોટા ગામના યુવાનો છેલ્લા 47 વર્ષથી ભારતમાતાની કરે છે રક્ષા
પાલનપુરનાં મોટા ગામની માટીમાં દેશ સેવાની સુવાસ છે.અહીંની માટીમાં જન્મ લેનાર દેશ સેવા માટે તત્પર રહે છે. મોટા ગામનાં દરેક ઘરમાંથી એક સૈનિક છે. ગામનાં 300 જેટલા યુવાનો દેશની સેવા કરી રહ્યાં છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર તાલુકાનાં મોટા ગામ આવેલું છે. ગામની અંદાજે વસતી 6000ની છે. ગામે દેશની સેવામાં 300 જેટલા જવાનો આર્મી અને પોલીસમાં આપ્યાં છે. આ ગામની માટીમાંજ દેશ સેવાની સુવાસ ફેલાઇ રહી છે. મોટા ગામનાં ત્રણ જવાનો શહીદ થયા છે. એવું કહેવાય કે, દરેક ઘરમાંથી એક સભ્ય મા ભોમની રક્ષા કરી રહ્યો છે. ગામનાં યુવાનોમાં સૈનિક બનવાનું ઝનૂન કંઈક જૂદુ જ છે. નાના ગામમાં બાળકનાં જન્મ સાથે દેશની સેવા માટે પરિવારજનો બાળકને તૈયાર કરે છે.
1976માં મોટા ગામના બે યુવાનો આર્મીમાં જોડાયા હતા
1976ના વર્ષમાં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાયા હતા. અને બસ ત્યારબાદ મોટા ગામના લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી. એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવવા માંડ્યા હતા.
ભૂપતસિંહ રાજપુત1990 માં કારગિલ યુદ્ધમાં સામેલ હતા
ભૂપતસિંહ રાજપુત 1990 માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્ધમાં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશ્મનો પર થ્રિ પીપલ થી યુદ્ધમાં વિજેતા મેળવી હતી. જેમાં સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.
નિવૃત થયા બાદ ગામાં તાલીમ શરૂ કરી
ગામના આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃતિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે શારીરિક તાલીમ આપવાની શરૂઆત કરી. બસ ત્યારથી મોટા ગામમાંથી એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાઈને આ નાનકડા ગામનું નામ રોશન કરી રહ્યા છે
મોટા ગામનાં ત્રણ યુવાન શહીદ થયા છે
અત્યાર સુધી મોટા ગામના ત્રણ યુવાનો માભોમની રક્ષા કરતા શહીદ થયા છે. ગામના ત્રણ યુવાનો શહીદ થયા છતાં પણ ગામના યુવાનોમાં એક દેશ પ્રત્યે એવું ઝનુન છે કે, ક્યારે અમે પણ ભારત દેશની રક્ષા કરવા જઈએ. અત્યારે પણ આ ગામના 200થી વધુ યુવાનો અલગ અલગ લશ્કરી ભરતીમાં જોડાવા માટે આજે પણ દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે.
સુરજ દેવીનાં દર્શન કરી સરહદ પર જાય છે
મોટા ગામમાં શહીદ બહાદુર સિંહ નામની સરકારી શાળા આવેલી છે.મોટા ગામમાં માતા સુરજ દેવીનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. ગામના જે પણ જવાન દેશ ની રક્ષા કરવા માટે જવાનું વિચાર કરે છે તે પહેલા માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ત્યાર બાદ જ સરહદ પર જવા માટે રવાના થાય છે. ગામમાં શહીદ બહાદુર સિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે, અહી બાળકો પોતાનું ભણતર પૂરું કરી અને ભારત દેશની રક્ષા કરવા માટે તૈયાર થાય છે.