આ ખેડૂતની ખેતી જોવા ખેડૂતો આવે છે. પ્રેણા લઈ ત્રણથી ચાર ખેડૂતે ખેતીની શરૂઆત કરી.
કાંકરેજના ઈસરવા ગામે વેલાભાઈ સુથારે પોતાના દોઢ વીઘા ખેતરમાં તરબૂચ, શાકભાજી, કેસર કેરી, અંજીર, પપૈયાની સફળ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી છે. આ ખેડૂતની ખેતીની પદ્ધતિથી પ્રેરણા લઈ વિસ્તારના અનેક ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ અનેક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. જેથી જિલ્લાના અનેક એવા તાલુકામાં ખેડૂતો ઉનાળાના સમયમાં ખેતી પણ કરી શકતા નથી. ત્યારે કાંકરેજ તાલુકાના ઇસરવા ગામ ખાતે રહેતા સુથાર વેલાભાઈ જીવાભાઇએ પોતાની 12 વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેઓએ પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી તરબૂચ, શાકભાજી, આંબા, અંજીર, પપૈયાના છોડ વાવી સફળ ખેતી કરી કાઠું કાઢ્યું છે. ખેડૂતે કરેલી ખેતી જોવા આજુબાજુના ખેડૂતો આવે છે.
આ વિસ્તારમાં જમીનમાં ખારું પાણી હોવાથી ઉનાળામા અમુક ખેડૂતો ખેતી ન કરતા
આ વિસ્તારમાં જમીનમાં ખારું પાણી હોવાના કારણે આ વિસ્તારના અમુક ખેડૂતો ઉનાળાના સમયમાં ખેતી ન કરતા હતા. જેના કારણે ઉનાળામાં તેઓના ખેતર સુખા ભટ પડ્યા રહેતા હતા.
પરંતુ આસપાસના વિસ્તારમાંથી સરકાર દ્વારા કેનાલ પસાર કરાતા હવે તેઓને સિંચાઈ માટે પાણી મળી રહે છે. જેનાથી ખેડૂતોને ઘણી એવી રાહત થઈ છે.
ખેતીમાં બદલાવ લાવવાનું વિચારી આ ખેતી શરૂ કરી
ખેડૂત વેલાભાઈએ ખેતરમાં તરબૂચની ખેતી શરૂ કરી હતી. તરબૂચની ખેતી માટે તેઓએ એક એકર જમીનમાં 70 હજારનો ખર્ચ કર્યો હતો.
જેની સામે 2.50 લાખની આવક મેળવી હતી. તેમજ એક એકર જમીનમાં શાકભાજીની ખેતી કરી હતી. 30 હજારના ખર્ચે કાકડી,દેશી કાળીંગા,ટેડસા વાવી લગભગ 55 હજારની આવક મેળવી હતી.
ટૂંકા ગાળાની ખેતી કરવાનું વિચારી ઓર્ગેનિક ખેતી શરૂ કરી
ચાલુ વર્ષે આ ખેડૂતે પોતાના એક વીઘા ખેતરમાં 30 જેટલા છોડ આંબાના, 10 છોડ અંજીરના, 30 છોડ પપૈયાના પણ વાવ્યા અને વચ્ચે પડેલી ખાલી જગ્યામાં 30 હજારના ખર્ચે ઓર્ગેનિક તરબૂચની ખેતી કરી છે.
તેમજ અડધા વીઘા જમીનમાં મલચિંગ કરી શાકભાજી જેમાં કાકડી દેશી કાળીંગા, ટેડસા અને ભીંડા ની ખેતી કરી છે.
ખેતી જોવા આજુબાજુના ખેડૂતો આવે છે
આ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા હોવા છતાં વેલાભાઈ સુથારે ખેતરમાં કરેલી વિવિધ પ્રકારની ખેતીને જોવા આસપાસના ખેડૂતો તેઓ પાસેથી માર્ગદર્શન લેવા આવે છે.