Home /News /banaskantha /Banaskantha: 125 ગામની હજારો બહેનો તેમના ભાઈ પીએમ મોદીને પત્ર લખી પોતાની વ્યથા જણાવશે
Banaskantha: 125 ગામની હજારો બહેનો તેમના ભાઈ પીએમ મોદીને પત્ર લખી પોતાની વ્યથા જણાવશે
આ વિસ્તારની મહીલા ખેડુતો હવે આંદોલનના માર્ગે વળી છે.
આવતીકાલે વડગામ તાલુકાના 125 ગામોની 50 હજારથી વધુ મહિલાઓ તેમના ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી તેમની વ્યથા રજૂ કરશે અને કરમાવત તળાવ તેમજ મોકેશ્વર ડેમમાં પાણી ભરવા માંગ કરવાની છે. જેની તૈયારીઓના ભાગરૂપે ગામેગામ પોસ્ટકાર્ડ પહોંચાડવામાં આવી રહ્યાં છે તો ગામેગામ મહિલાઓ એકઠી થઈ અન્ય મહિલાઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કરી રહેલી જોવા મળી રહી છે.
કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ (Vadgam)નું કરમાવત તળાવ (Karmavat Lake) અને મોકેશ્વર ડેમ (Mokeswar Dam) ભરવાની માંગ સાથે છેડાયેલુ જળ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ મહારેલી તે બાદ ગામેગામ મહાઆરતી કર્યા બાદ પણ સરકાર દ્વારા તેમની માંગ ના સ્વીકારાતા આવતી કાલે 125 ગામની હજારો બહેનો તેમના ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખશે. જેની ગામેગામ તૈયારીઓ આરંભાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે નહિવત વરસાદ ને પગલે ભૂગર્ભ જળ ઉંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતાં વિસ્તારના ખેડુતો સિંચાઈ માટેના પાણી માટે બૂમરાડ કરી રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારની હાલત કફોડી બની છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં તેમની માંગ ના સ્વીકારાતા છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન છેડાયું છે.
સૌપ્રથમ વિસ્તારના 125 ગામોના હજારો ખેડૂતોએ એકઠા થઈ મહારેલી યોજી પાલનપુરની આદર્શ સ્કૂલથી મહારેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જો કે તે બાદ પણ સ્થાનિકોની માંગનું નિરાકરણ ના આવતાં 125 ગામોના લોકોએ ગામેગામ એકઠા થઈ મહાઆરતી કરી તે બાદ પણ કોઈ પરિણામ ન મળતાં આખરે આ વિસ્તારની મહીલા ખેડુતો હવે આંદોલનના માર્ગે વળી છે.