ડીસાનાં ડો.લાલજીભાઇ પટેલની નાગફણામાં જમીન આવેલી છે. સાત વીઘામાં સાડા ત્રણ કરોડનાં ખર્ચે સોલાર પ્લાન્ટ લગાવ્યો છે. વીજ કંપનીને વીજળી વેચી રહ્યાં છે. તેમજ વચ્ચેની જમીનમાં ખેતી કરી રહ્યાં છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતી માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ મોટાભાગના ખેડૂતો ઓર્ગેનિક અને બાગાયતી ખેતી તરફ પણ વળ્યા છે. જિલ્લાનો એક ખેડૂતે પોતાના ખેતરમાં સોલાર પ્લાન્ટ ઊભો કર્યો છે.
ઉત્પન્ન થતી વીજળી વીજ કંપનીને વેચી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. અન્ય ખેડૂતો પણ પ્રકારે સોલાર પેનલ પોતાના ખેતરમાં લગાવે તેવા મેસેજ આપી જાગૃત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રહેતા ડો. લાલજી ભાઈ પટેલ પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવી આધુનિક રીતે આવક મેળવી રહ્યા છે.
ડીસાના નાગફણા ગામમાં જમીન આવેલી છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી સર્જાતી હતી. તેમજ ખેડૂતોને આવકમાં ઘટાડો થતો હતો. આવી પરિસ્થિતીમાં સારી આવક મેળવી શકાય તેથી ડો.લાલજીભાઈ પટેલે સાત વીઘામાં સોલાર પ્લાન્ટ લગાવવાનું નક્કી કર્યું હતું.
સાત વીઘામાં સાડા ત્રણ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઉભો કર્યો
સાત વીઘાની જગ્યામાં સાડા ત્રણ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઊભો કર્યો છે.આ સોલાર પ્લાન્ટમાં દરરોજ 4800 યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી વીજ કંપનીને 2 રૂપિયા 83 પૈસા પ્રતિ યુનિટના ભાવે વેચે છે.
જેથી દરરોજ સરેરાશ વીજળી વેચી લાલજીભાઈ પટેલ 13,000 જેટલી આવક મેળવી રહ્યા છે. આમ ખેડૂત ખેતીની સાથે વીજળી પણ વેચીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
ખેડૂતોએ રોકાણ કરીને સારી આવક મેળવવી જોઇએ
ખેડૂત ડો. લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વચ્ચે વધેલી જમીનમાં ખેતી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો કોઈ બીજા વ્યવસાયમાં ઇન્વેસ્ટ કરતા હોય તો તેના કરતાં સોલાર પ્લાન્ટ લગાવવો જોઈએ. તેના થકી ખેડૂતો સારી કમાણી કરી શકે છે. અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરમાં સોલરનો પ્લાન ઊભો કરી વીજળી વેચી સારી કમાણી કરવા અપીલ કરી છે.