પાલનપુરનાં રૂપપુરા ગામમાં ગટરનું શુદ્ધિકરણ કરાયેલું પાણી બોરમાં નાખવામાં આવે છે અને બોરના માધ્યમથી પાણી સીધું ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાથી બાય પ્રોડક્ટ સેન્દ્રીય ખાતર પણ મળે છે.
Nilesh Rana,Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં દર વખતે પાણીની સમસ્યા ઊભી થાય છે. આ જિલ્લામાં પાણીના તળ પણ દિવસેને દિવસે ઉંડા જઈ રહ્યા છે. આ જિલ્લાના ખેડૂતો પાણીને લઈને અનેક આંદોલનો કરે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં રૂપપુરા ગામમાં આગેવાનોએ આખા ગામનું ગંદુ પાણી એક તળાવમાં એકત્રિત કરવામાં આવ્યું છે.
આ ગંદા પાણીને પ્લાન્ટ મારફતે શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે અને એક જુના બોરમાં નાખી બોર રીચાર્જ કરવામાં આવી રહ્યા છે. આ માધ્યમથી જમીનના તળ ઊંચા લાવવા પ્રયાસ કરી રહ્યા છે.
ગામની ગટરનું પાણી તળાવમાં એકત્ર કરે
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમાં 800 જેટલા લોકો રહે છે. આ ગામના તમામ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. જિલ્લામાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે. તેમજ દિવસેને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે. આ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામના લોકોએ એક સંપ થઈ અનોખું કાર્ય કર્યું છે.
આ ગામના લોકોએ જમીનના તળ ઉંચા લાવવા માટે આખા ગામનું ગટરનું પાણી ગામમાં આવેલા એક તળાવમાં છોડવામાં આવે છે અને ગામના લોકોએ સરકારની મદદ લઈ પાંચ લાખના ખર્ચે પાણીનું શુદ્ધિકરણ કરવા માટે એક પ્લાન્ટ તૈયાર કર્યો છે. તળાવમાં આવતું આખા ગામનું ગટરનું ગંદુ પાણી એક પ્લાન્ટ મારફતે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ ગામમાં આવેલા એક જુના બોરમાં નાખવામાં આવે છે. અનોખા કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે.
ગટરનું પાણી એકત્ર કરતા મચ્છરનો ઉપદ્રવ વધુ હતો
રૂપપુરા ગામમાં રહેતા મેઘરાજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,અમારા આખા ગામનું ગટરનું ગંદુ પાણી ગામમાં આવેલા એક તળાવમાં છોડવામાં આવે છે. પરંતુ આ તળાવમાં ગટરનું ગંદુ પાણી એકઠું થવાથી મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી જતો હતો. મચ્છરના કારણે બીમારીઓ વધી રહી હતી.
બાદ ગામના તમામ આગેવાનો એકત્રિત થઈ ગંદા પાણીના નિકાલનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ ગામના આગેવાનો ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરી અને શુદ્ધિકરણ પાણી એક બોર મારફતે ભૂગર્ભમાં ઉતારવામાં આવે તો જમીનના તળ પણ ઉંચા આવશે.
કેવી રીતે પાણી શુદ્ધ થાય છે ?, કોણ મદદ કરી ?
રૂપપુરા ગામના આગેવાનો સરકારની મદદ લઈ પાંચ લાખના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટનો એક પ્લાન્ટ તૈયાર કરાયો અને એક બ્લોક બનાવી તેમાંથી એક મોટર વડે પાણીને એક ટેન્કમાં નાખવામાં આવે છે.
આ ટેન્કમાં ચુનો તેમજ ફટકડી નાખી ત્રણ વિભાગમાં ગટરના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ચોથા વિભાગમાં આ પાણી એકદમ શુદ્ધ થઈ જાય છે.બાદ ગામનો એક જુનો બોર છે. જેમાં આ ગટરનું શુદ્ધિકરણ કરાયેલું પાણી બોરમાં મોકલવામાં આવે છે.બોરમાંથી પાણી સીધું ભૂગરમાં ઉતારવામાં આવે છે.
બાય પ્રોડક્ટ સેન્દ્રીય ખાતર પણ મળે છે
ગટરના ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાથી તેમાં બાય પ્રોડક્ટ સેન્દ્રીય ખાતર પણ મળે છે. વર્ષે તેનો ખર્ચો નીકળી જાય છે.આ પ્લાટ તૈયાર કરવાથી દિવસેને દિવસે જમીનના તળ ઉંચા આવશે. જેથી અન્ય ગામના લોકો પણ આ રીતે પાણીને શુદ્ધિકરણ કરી ભૂગર્ભમાં ઉતારશે, તો આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો નહિ કરવો પડે.