Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં આજે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઇ હતી. જેમાં લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરાયા હતા.અને રોગ ન થાય તે માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સમજણ આપવામાં આવી હતી.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ડીસા બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.બ્લોક હેલ્થ ઓફિસથી વિવિધ બેનરો સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈ પરત ફરી હતી.
ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી એક સંક્રમિત બીમારી છે, જે સામાન્ય રીતે ફેફસાં પર હુમલો કરે છે. ધીરે ધીરે તે મગજ અથવા કરોડરજ્જુ સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. ટીબીના મોટાભાગના કેસો એન્ટીબાયોટીક્સથી મટાડવામાં આવે છે. પરંતુ તેમાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે આ દવા 6 થી 9 મહિના સુધી ચાલે છે.
ડીસા બ્લોક હેલ્થ ઓફિસર પી એમ ચૌધરીએ ટીબી રોગ અંગેના લક્ષણો વિશે જણાવ્યું હતું. કે છાતીમાં દુખાવો,ઉધરસમાં લોહી નીકળવું, થાક, રાત્રે પરસેવો, ઠંડી લાગવી, તાવ, ભૂખ ઓછી થવી અને વજન ઓછું થવું એના મુખ્ય લક્ષણો છે. આવી સ્થિતિમાં દર્દીએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરી સારવાર શરૂ કરવી જોઈએ તેમ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી.
ત્યારબાદ ડીસા TMPHS નિરંજનભાઈ, અર્બન MPHS હરિસિંહ ચૌહાણ NTEP સ્ટાફ, તૌસીફભાઈ TBHV અર્બન 1 અને 2 ના તમામ સ્ટાફની મીટીંગ મળી વિશ્વ ટીબી દિવસ વિશે સમજ તેમજ તે માટે વર્ષ દરમિયાન કરવાની થતી કાર્યવાહી ની ચર્ચા કરવામાં આવેલ હતી.