Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ગાજ વીજ અને કરા સાથે ભારે વરસાદની શરૂઆત થઈ છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.ખેતરમાં રહેલા ઉભા પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે 19 તારીખ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. ભર ઉનાળે કમોસમી વરસાદ થવાની શરૂઆત થતા જ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના છે.
જિલ્લામાં બટાકા,રાયડો,રાજગરો,જીરૂ, તમાકુ, એરંડા પાકને નુકસાન
બનાસકાંઠા જિલ્લો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો જિલ્લો છે. અને શિયાળામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકા, રાયડો, રાજગરો જીરું ,એરંડા, તમાકુ જેવા પાકની સૌથી વધુ ખેતી કરી હતી.
અને હવે ઉત્પાદન સમયે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા પાકમાં વધુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
કમોસમી વરસાદથી ફરી આ પાકને નુકસાન થવાની શક્યતા.
અગાઉ હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ થવા પામ્યો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું અને ફરી હવામાન વિભાગની આગાહીના પગલે આજે ફરી કમોસમી વરસાદ શરૂ થતા ફરી ખેડૂતોને મોટું નુકસાન થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.કારણ કે ઉનાળામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ટેટી અને તરબૂચનું રોપાથી વાવેતર કર્યું હતું અને વરસાદના કારણે ટેટી અને તરબૂચના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા જોવા મળી છે.