ડીસા માર્કેટ યાર્ડમાં દરરોજની 1000થી વધુ રાયડા ની બોરીની આવક થઈ રહી છે.
ડીસા માર્કેટીંગ યાર્ડમાં રાયડાની આવક શરૂ થઇ છે. યાર્ડમાં અત્યાર સુધીમાં 10 હજાર બોરીની આવક થઇ છે. 20 કિલોનાં 900 રૂપિયા ખેડૂતોને મળી રહ્યાં છે. ગત વર્ષે ખેડૂતોને 1000 થી 1200 રૂપિયા મળતા હતાં.
Nilesh Rana, Banaskantha : ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝનનું મબલખ વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર રવિ સીઝનમાં બટાટાની સાથે રાયડાનું કરાયું હતુ. હાલ નવા રાયડાનાં પાકને લઈ ખેડૂતો માર્કેટ યાર્ડમાં ખુલ્લા બજારમાં વેચવા આવી રહ્યા છે.પરંતુ કમોસમી વરસાદે રાયડાના ભાવમાં ઘટાડો કર્યો તેવુ જણાઇ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષથી રાયડાની ખેતી તરફ ખેડૂતો વળ્યા
બનાસકાંઠા જિલ્લામાં રાયડાનું વાવેતર ધાનેરા, થરાદ,વાવ, ભાભર, કાંકરેજ, દિયોદર સહિત ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં પૂર્વ વિસ્તારોમાં જેવા કે દાતા ગામ સહિત અનેક તાલુકાઓમાં બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે.રોકડિયા પાક તરીકે ગણાતા રાયડાના પાકમાં ઓછી મૂડી વધુ ફાયદો થતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષથી રાયડાની ખેતી તરફ ખેડૂતો વળ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાનુ હવામાન પણ રાયડાની ખેતી માટે ખૂબ જ અનુકૂળ રહેતું હોવાથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રાયડાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા તાલુકામાં પણ ગત વર્ષે રાયડાનું સારા પ્રમાણમાં વાવેતર થયું હતું અને ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે 4 લાખ બોરીની આવક માર્કેટ યાર્ડમાં નોંધાઈ હતી. ગત વર્ષે રાયડાના ભાવ ની વાત કરવામાં આવે તો ખેડૂતોને 1000થી 1200 રૂપિયાનો ભાવ મળ્યો હતો.
કમોસમી વરસાદ વિલન બન્યો, 100 રૂપિયા તૂટ્યાં
ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની હરરાજી શરૂ કરવામાં આવી છે.અત્યાર સુધી 10 હજાર બોરીની આવક થઈ છે. ખુલ્લા બજારમાં વેપારીઓ રાયડાના 20 કિલોના 900 થી 1100 રૂપિયા જેટલો ભાવ આપી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતા ખેડૂતોને રાયડમાં ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.છતાં ખેડૂતો રાયડાનો પાક ખુલ્લા બજારોમાં વેચતા નજરે પડી રહ્યા છે. આગામી સમયમાં માર્કેટ યાડમાં રાયડાની આવકમાં વધારો થશે. તેમજ ભાવમાં પણ વધારો થશે. તેવું ડીસા માર્કેટયાડના સેક્રેટરી અમૃતભાઈ જોષીએ જણાવ્યું હતું.