ખેડૂતો સરકાર પાસે બટાટા તેમજ અન્ય પાકોમાં યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.
કમોસમી વરસાદ બાદ ફરી માર્કેટ યાર્ડમાં બટાકાની ખરીદી શરૂ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાનું ડીસા એ બટાકા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને બટાકાના પાકમાં પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે ચાલુ વર્ષે પણ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી સારા ભાવ ની આશાએ વાવણી કરી હતી. પરંતુ ઉત્પાદન સમયે બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. તેવામાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
બટાકાની સીઝન ચાલી રહી છે. ખેડૂતો બટાકાનું ઉત્પાદન મેળવી ખુલ્લા માર્કેટમાં વેચી રહ્યા છે.થોડા દિવસ પહેલા ખેડૂતોને બટાકા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
સીઝનમાં વાવણી માટે ખેડૂતો મોંઘાદાટ બિયારણ લાવી વાવણી કરી હતી પરંતુ પાકને યાર્ડમાં વેચવા જતા ભાવ ન મળ્યા હતા. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હાલ યાર્ડમાં ફરી બટાકાની ખરીદી શરૂ થઈ ગઈ છે.ખરીદી શરૂ થતા ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે.
અગાઉ ખેડૂતોને 100 રૂપિયાની આસપાસ મણનો ભાવ મળી રહ્યો હતો.બીજી વખત ખરીદી શરૂ થતા ભાવમાં વધારો થતા 100થી લઈ 130 સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે.
ભાવ ઉચકાતા બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે જાહેર કરેલી કમોસમી વરસાદથી બગડેલા પાક માટેની સબસીડીથી માત્ર 30 ટકા ખેડૂતોને લાભ મળ્યો હતો અન્ય 70 ટકા ખેડૂતો લાભથી વંચિત રહ્યા હતા તેવું બનાસકાંઠા પંથના ખેડૂતોએ જણાવ્યું હતું.