બટાટાનો પ્રતિ 20 કિલોનો ભાવ 145 થી 210 રૂપિયા સુધી નોંધાયો છે.
ડીસા યાર્ડમાં બટાટાની આવક શરૂ થઇ છે. બટાટાનાં 20 કિલોનાં 145 થી 210 રૂપિયા ભાવ રહ્યાં હતાં. જોકે ગત વર્ષ કરતા ઓછા છે. ગત વર્ષ કરતા 40થી 50 રૂપિયા ભાવ ઓછા છે. આ ભાવ ખેડૂતોને પરવડે તેમ નથી. ફેબ્રુઆરીથી સાચી સિઝન શરૂ થશે.
Nilesh Rana, Banaskantha: બટાટા નગરી તરીકે ઓળખાતા બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાની જાહેર હરાજી શરૂ થઈ છે. તારીખ 04 થી 20 જાન્યુઆરી સુધીમાં ડીસા માર્કેટ યાર્ડમાં 70 હજારથી વધુ બટાકાની બોરીની આવક નોંધાઇ છે. પ્રતિ 20 કિલોના ભાવ 145 થી 210 રૂપિયા સુધી નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લાનું ડીસાએ સમગ્ર દેશમાં બટાટા નગરી તરીકે વખણાય છે. શિયાળાની શરૂઆત થતાં જ બટાકાનું વાવેતર ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. ચાલુ વર્ષે ડીસા તાલુકામાં 30,784 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 53,548 હેક્ટરમાં બટાટાનું વાવેતર થવા પામ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 17 થી 18 ટકા બટાટાનું વાવેતર ઓછું નોંધાયું છે.
ગત વર્ષ કરતા ઓછા ભાવ બોલાયા
જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ખાવા માટે ઉપયોગ થતા બટાટાનું ખેડૂતો નીકાળવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની જાહેર હરાજી શરૂ થઈ ગઈ છે અને ડીસા સહિત આજુબાજુના પંથકમાંથી અનેક ખેડૂતો બટાટા વેચવા માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે. ડીસા માર્કેટ યાર્ડમાં તારીખ 4 થી 20 જાન્યારી સુધીમાં 70 હજારથી વધુ બટાટાની બોરીની આવક નોંધાઇ છે. જોકે હરાજીમાં બટાટાના ભાવ 145 થી 210 રૂપિયા પ્રતિ 20 કિલોના રહ્યા છે. જે ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી. કારણકે ગત વર્ષે કરતા ચાલુ વર્ષે 40 થી 50 રૂપિયાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે.
માર્કેટ યાર્ડમાં આવતા બટાટા ખાવા માટે ઉપયોગ લેવાય છે
ડીસા માર્કેટયાડના સેક્રેટરી અમૃતભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ વખતે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાં કુલ 53,548 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 17 થી 18 ટકા વાવેતર ઓછું નોંધાયું છે. તેમજ ભાવમાં પણ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 40 થી 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
અત્યારે બટાટાની આવક થઈ રહી છે. બટાટા ખાવા માટે ઉપયોગ થાય છે. તેમજ બટાટાની સાચી સિઝન ફેબ્રુઆરીથી શરૂ થશે. અત્યારે જે માર્કેટ યાર્ડમાં બટાટા આવી રહ્યા છે. ગુજરાતના તમામ જગ્યાએ આ બટાટા મોકલવામાં આવી રહ્યા છે. સાચી સિઝનમાં બટાટાની આવક શરૂ થશે બટાટા સમગ્ર દેશમાં જશે.