આનંગ જયસ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના દિયોદરમાં ભૂંડે આતંક મચાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભૂંડે લોકો ઉપર જીવલેણ હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ગ્રામજનોને આ અંગે જાણ થતાં લોકો ભેગા થયા હતા. અને ભૂંડને મારવાનો પ્લાન બનાવ્યો હતો. સ્થાનિક પાસે દેશી બંદૂક હોવાથી ગોળી મારીને ભૂંડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં આજે શનિવારે ભૂંડે આતંક મચાવ્યો હતો. હડકાયા ભૂંડે બે વ્યક્તિને બચકા ભર્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક દિયોગર રેફરલ હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા.
ભૂંડના આતંકની વાત ગ્રામજનોને જાણ થતાં લોકો એકઠાં થયા હતા અને ભૂંડને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. જેક ભૂંડને પકડવા જતાં ભૂંડે બે લોકો ઉપર હુમલો કર્યો હતો. તો ગામના લોકોએ બેનાળ બંદૂક વડે ભૂંડ ઉપર નિશાન સાધીને ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેને ગોળી વાગતા મોત થયું હતું. તો સાથે સાથે સ્થાનિક લોકોએ પણ હથિયારો વડે ભૂંડ ઉપર હુમલો કર્યો હતો.
ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળાં એકઠાં થયા હતા. ભૂંડના મોત બાદ ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.