બનાસકાંઠા: પાલનપુરમાં હ્યુન્ડાઈના શોરૂમમાં થયેલી લાખો રૂપિયાનો ચોરીનો ભેદ ઉકેલાયો
બનાસકાંઠા: પાલનપુરમાં હ્યુન્ડાઈના શોરૂમમાં થયેલી લાખો રૂપિયાનો ચોરીનો ભેદ ઉકેલાયો
પાલનપુર ચોરીનો ભેદ ઉકેલાયો
Palanpur Theft case: પાલનપુરના આબુ હાઇવે પર આવેલા રિયા હ્યુન્ડાઈ શો રૂમ (Riya Hyundai Showroom)માં ગત ત્રીજી જૂને રાત્રીના સમયે બે બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા.
કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલા હ્યુન્ડાઈના શો રૂમમાં થયેલી 61.81 લાખની ચોરી (Hyundai showroom theft case)નો ભેદ ઉકેલાયો છે. આ મામેલ એલસીબીની ટીમે આંતરરાજ્ય કુખ્યાત ગેંગના બે સાગરીતોને રૂ.22.23 લાખની રોકડ રકમ સાથે દબોચી લીધા છે. પાલનપુરના આબુ રોડ હાઇવે (Abu road highway) પર આવેલા હ્યુન્ડાઈના શો રૂમમાં 20 દિવસ અગાઉ રાત્રિના સમયે બુકાનીધારી તસ્કરો હેવી ડિજિટલ લોકર્સ તોડીને તેમાં રહેલા 61.81 લાખ ઉપરાંતની રોકડ રકમ ચોરીને પલાયન થઈ ગયા હતા. બંનેએ મોબાઈલ મેપમાં શો રૂમ સર્ચ કરીને ચોરીને અંજામ આપ્યો હતો.
પાલનપુરના આબુ હાઇવે પર આવેલા રિયા હ્યુન્ડાઈ શો રૂમ (Riya Hyundai Showroom)માં ગત ત્રીજી જૂને રાત્રીના સમયે બે બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા. શો રૂમમાં રહેલી હેવી ડિજિટલ લોકર્સને તોડી તેમાં રહેલી રોકડ રકમ રૂ.61,18,267ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે, રાત્રીના બેથી ત્રણ વાગ્યાના સમયે થયેલી ચોરીની ઘટના શો રૂમના સીસીટીવી કેમેરાના કેદ થતા શો રૂમના જનરલ મેનેજર કૌશિકકુમાર નર્મદાશંકર રાવલે બનાવ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
શો રૂમમાંથી લાખો રૂપિયાની ચોરી થતાં પશ્ચિમ પોલીસ અને એલસીબીની વિવિધ ટીમોએ ચોરીનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલ્સનની મદદ લીધી હતી. જેના આધારે મધ્ય પ્રદેશના ટેમરન ગામના વિજય ઉર્ફે કાનો બદામસિંહ રાઠોડ (બેલદાર) અને માધવ બુધિયા યાદવ (આહીર) નામના બે શખ્સોને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતા બંનેએ પાલનપુરના હ્યુન્ડાઈ શો રૂમની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે બંને પાસેથી ચોરીના રૂ. 22.23 લાખ રિકવર કર્યા હતા. સાથે જ ચોરીમાં વપરાયેલો ટ્રક, ચાંદીની લક્કી, સોનાની કાનમાં પહેરવાની રિંગ અને મોબાઈલ મળી કુલ રૂ.40.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.