આનંદ જૈસવાલ, બનાસકાંઠા: પાલનપુર પાસેથી કતલખાને લઈ જવાતા 74 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. જીવદયા પ્રેમીઓ અને પોલીસે સાથે મળી અબોલ જીવ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે 74 પશુઓ અને ટ્રક સહિત કુલ 9.11 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
પાલનપુર આબુ રોડ હાઇવે પરથી કતલખાને લઈ જવાતાં અબોલ પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ હતી. આબુરોડ તરફથી પશુઓ ભરેલી ટ્રક કતલખાને જઈ રહી હોવાની માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓએ બાલારામ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.
આ પણ વાંચો-
તે દરમિયાન આબુરોડ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ટ્રકને થોભાવી હતી અને જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને ટ્રકની તલાશી લેતાં તેમાંથી 74 પશુઓ મળી આવ્યા હતા. જેથી ટ્રક ચાલક નાસીર શેખની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં તેણે આ પશુઓ અજમેરના નાસીરાબાદથી નંદાસણ લઈ જતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ તપાસમાં 74 પશુઓ અને ટ્રક સહિત કુલ 9.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .