ધાનેરાના 63 ગામ સહિત શહેરમાં 1લી જાન્યુઆરીથી નર્મદાના નીર મળશે
Banaskantha News: વર્ષોથી પીવા તેમજ સિંચાઈના પાણી માટે વલખાં મારી રહેલા ધાનેરા તાલુકાને હવે પીવા માટે નર્મદાના નીર મળશે. 1 જાન્યુઆરીથી આ તમામ વિસ્તારને પીવાના નર્મદાના નીર આપવાની શરૂઆત થશે. જેને લઇ સમગ્ર ધાનેરા વિસ્તારના લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
કિશોર તુંવર, બનાસકાંઠાઃ વર્ષોથી પીવા તેમજ સિંચાઈના પાણી માટે વલખાં મારી રહેલા ધાનેરા તાલુકાને હવે પીવા માટે નર્મદાના નીર મળશે. થરાદના ભાપી નર્મદાની મુખ્ય કેનાલ આધારિત ધાનેરા તાલુકાના 62 ગામડાઓ સહિત ધાનેરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા ચાલી રહેલા પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે હવે 1 જાન્યુઆરીથી આ તમામ વિસ્તારને પીવાના નર્મદાના નીર આપવાની શરૂઆત થશે. જેને લઇ સમગ્ર ધાનેરા વિસ્તારના લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
62 ગામને પીવાનું પાણી મળશે
બનાસકાંઠાના ઉત્તરે આવેલો ધાનેરા તાલુકો હંમેશા પાણી માટે પોકાર કરતો આવ્યો છે. મહત્ત્વનું છે કે, ધાનેરા તાલુકામાં ન તો કોઈ મોટો ડેમ છે કે ન કોઈ કેનાલ કે જે થકી ખેડૂતોને પીવા કે સિંચાઈ માટે પાણી મળી રહે. તેથી હંમેશા આ વિસ્તારના ખેડૂતો સહિત લોકો પીવા તેમજ સિંચાઈના પાણી માટે વલખાં મારતા હોય છે. જો કે તે વચ્ચે જ સરકાર દ્વારા રૂપિયા 241.34 કરોડના ખર્ચે ધાનેરા વિસ્તારના 62 ગામો સહિત ધાનેરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા બનાવેલી યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેને લઈને આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ફિલ્ટર પ્લાન્ટમાં 4 કરોડ લિટર પાણી ચોખ્ખુ થશે
મળતી માહિતી પ્રમાણે, થરાદ તાલુકાના ભાપી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી નર્મદાના નીર થરાદના ખેંગારપુરા નજીક તૈયાર થયેલા સંપ પર લાવવામાં આવશે. ત્યાં પાણીનો જથ્થો ફિલ્ટર કરીને ધાનેરા શહેર સહિત આસપાસના 62 જેટલા ગામોમાં દરરોજ વિતરણ કરવામાં આવશે. ખેંગારપુરા નજીક તૈયાર કરાયેલા ફિલ્ટર પ્લાન્ટમાં રોજિંદુ 4 કરોડ લિટર પાણી ફિલ્ટર કરવામાં આવશે અને આ તમામ પાણીનો જથ્થો આ વિસ્તારના લોકોને પીવા માટે પૂરો પાડવામાં આવશે.
ધાનેરાને મોટા પ્રમાણમાં પાણી મળશે
ધાનેરામાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર હોવાથી દરરોજ 50 લાખ લિટર પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો અગાઉ ધાનેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સીપુ જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પડવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી સીપુ ડેમ તળિયાઝાટક બન્યો છે અને તેને જ લઈને આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ હતી. જો કે, ધાનેરાના શહેરી વિસ્તારમાં પાલિકાના કેટલાક બોરમાંથી પાણી પુરવઠો પૂરો પડતો હતો. પરંતુ બોરના તળિયા પણ ઊંડા જતા વિસ્તારના લોકોને આરોગ્યપ્રદ પાણી મળી શકતું ન હતું. તેવામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી પૂરું પાડવાની યોજના ઘડાઈ અને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ યોજનાની કામગીરી હવે અંતિમ ચરણોમાં પહોંચી છે.
સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ
1 જાન્યુઆરીથી ધાનેરાના 62 ગ્રામ્ય વિસ્તારો સહિત ધાનેરા શહેરને નર્મદાના નીર પીવા માટે મળશે. જેને લઇને અત્યારે સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ યોજનાથી ફક્ત લોકોને જ નહીં પરંતુ ધાનેરા નગરપાલિકાને પણ મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે. તેને લઇને પાલિકા પર શહેરીજનોને પીવા માટે અપાતા પાણીનો બોજો પણ હવે ઉતરશે.