Home /News /banaskantha /MLA ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદનઃ 'દીકરીઓના નાસી જવા પાછળ DJ જવાબદાર'
MLA ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદનઃ 'દીકરીઓના નાસી જવા પાછળ DJ જવાબદાર'
ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
MLA Geniben Thakor On DJ: લગ્નપ્રસંગમાં વગાડવામાં આવતા ડીજે પર ગેનીબેન ઠાકોરે સવાલ ઉઠાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. તેમણે દીકરીઓના નાસી જવાબ પાછળ ડીજેના કાર્યક્રમ સામે આંગળી ચીંધી છે. ગેનીબેન ઠાકોર ભાભરમાં આયોજિત સમૂહ લગ્નના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
બનાસકાંઠાઃ ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચેલા કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. આ વખતે તેમણે લગ્નપ્રસંગમાં વાગતા DJનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, 'દીકરીઓના નાસી જવા પાછળ DJ જવાબદાર છે' આ સાથે તેમણે લગ્નપ્રસંગમાં રાત્રે DJ વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવાની વાત કરી છે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, "રાત્રે તમે DJ વગાડો.. નાચવાવાળા સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો ગાય.. રાત્રે બે વાગ્યે લોકો નાચે.. આમંત્રણ મળ્યું હોય તેવા લોકો પણ આવે અને આમંત્રણ ના મળ્યું હોય તેવા લોકો પણ આવે. નાસી જવાની ખરાબ ઘટનાઓ બનતી હોય તો આ DJ તેના માટે જવાબદાર છે."
તેમણે વધુમાં કહ્યું કે, સગાવાલાઓની અને દીકરીની આબરુ માટે અને તેમની સુરક્ષા ઈચ્છતા હોવ તો DJ ના વાગે તેવી મારી વિનંતી છે. ગેનીબેન ભાભરમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, અહીં તેમણે સમાજમાં સુધારો આવે તેવા કેટલાક જરુરી પગલા ભરવા માટે પણ લોકોને વિનંતી કરી હતી.
ગેનીબેને વધુ એક સલાહ આપતા જણાવ્યું હતું કે, નવયુગલો જ્યાં સુધી કમાતા ના થાય ત્યાં સુધી ઘરે પારણું ના બાંધવું જોઈએ. કાર્યક્રમમાં હાજરી આપીને તેમણે 34 પ્રભુતામાં પગલા પાડનારા નવયુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા.