Home /News /banaskantha /

બનાસકાંઠા: પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી! ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ

બનાસકાંઠા: પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી! ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ

પાંથાવાડા પોલીસ સ્ટેશન

Panthawada police: નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોવાથી તેમની ગાડીનો ડ્રાઇવર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકની નજર ચૂકવીને સરકારી બોલેરો ગાડી નં GJ 18 G 5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો.

    બનાસકાંઠા: ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ અહીં દરરોજ દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોય તેવા સમાચાર મળતા રહે છે. ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવે છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો (Bootlegger) અનવવી તરકીબો અજમાવતા હોય છે. જોકે, અહીં જે બનાવ બન્યો છે તેણે ખૂબ જ ચર્ચા જગાવી છે. બનાસકાંઠા પોલીસે (Banaskantha Police) સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી બદલ ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.

    પોલીસની ગાડીમાં દારૂ!


    હકીકતમાં બનાસકાંઠા પોલીસ (Banaskantha Police)ની ટીમે રાજસ્થાન (Rajasthan) તરફથી આવતી અમદાવાદ CDI ક્રાઇમના ડીવાયએસપીની ગાડીમાંથી 17 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે CID ક્રાઇમની સરકારી ગાડીના ડ્રાઈવર વિષ્ણુભાઈ ચૌધરી અને જયેશભાઇ ચૌધરીને જેલના હવાલે કર્યા છે. આ બનાવ ચોથી જૂનના રોજનો છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ પાંથાવાડા પોલીસ સ્ટેશન (Panthawada police station) વિસ્તારના વાઘોર ચાર રસ્તા ખાતે CID ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી હતી.

    મળતી માહિતી પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોવાથી તેમની ગાડીનો ડ્રાઇવર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકની નજર ચૂકવીને સરકારી બોલેરો ગાડી નં GJ 18 G 5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. ગાડીમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ 294 કે જેની કિંમત 1,21,140 થાય છે તે જપ્ત કરી છે. આ મામલે કોન્સ્ટેબલ અને અન્ય એક ઇસમની ધરપકડ કરીને પાંથાવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


    પોલીસે શરૂઆતમાં ઢાંકપીછોડાનો કર્યો પ્રયાસ!


    શરૂઆતમાં પોલીસ તરફથી આ બનાવ અંગે ઢાંકપીછોડો કરવામાં આવ્યો હતો. દારૂ ઝડપાયાનો આ કિસ્સો નેતાઓ અને ઊચ્ચ પોલીસ અધિકારીઓ પછી પહોંચ્યો હતો. જે બાદમાં ચાર કલાક પછી આ મામલો સામે આવ્યો હતો. પાંથાવાડા પોલીસે પણ શરૂઆતમાં આવું કંઈ બન્યું ન હોવાનું રટણ કર્યું હતું. આ ઉપરાંત મુદ્દામાલ અને સરકારી ગાડી પણ પોલીસ સ્ટેશન લાવવાને બદલે અન્ય જગ્યાએ લઈ જવામાં આવી હતી.

    આ પણ વાંચો: આણંદ-ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે શંકાસ્પદ ડ્રોન ઉડતા  લોકોમાં ભયનો માહોલ

    કોના માટે લઈ જવાતો હતો દારૂ?


    આ અંગેની ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે ડીવાયએસપી ક્રાઇમનો ડ્રાઇવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાંથાવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે સવાલ એ છે કે સરકારી ગાડીમાં કેટલા સમયથી દારૂની હેરાફેરી ચાલી રહી હતી? આ ઉપરાંત દારૂ શા માટે અને કોના માટે લાવવામાં આવી રહ્યો હતો? ગાડીમાં ડ્રાઇવર અને તેના ભાઈ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પણ હતી કે નહીં? પોલીસ જો આ કેસમાં ઊંડી તપાસ કરે છે તો ચોક્કસ આ સવાલોના જવાબ મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, દારૂ, પોલીસ

    આગામી સમાચાર